ભારતમાં ધર્મની શોધ સદીઓ પહેલા થઈ છે. એવું કહેવાય છે કે હિન્દુ ધર્મ વિશ્વનો સૌથી જુનો ધર્મ છે પરંતુ જો આજે ધાર્મિકતાની બાબત આપણે એવું માનતા હોય કે ભારત સૌથી વધુ ધાર્મિક દેશ છે તો આપણે ખોટા છીએ. ધાર્મિક દેશના ક્રમમાં ભારત પ્રથમ પાંચમાં પણ આવતો નથી. ભારત સમગ્ર વિશ્વમાં ધાર્મિક દેશોની યાદીમાં છેક 27માં ક્રમે છે. સાથે સાથે સંજોગો એવા છે કે જે દેશ 11મી સદી સુધી હિન્દુ દેશ હતો તે આજે મુસ્લિમ દેશ બની ગયો છે અને તે ધાર્મિકતામાં સમગ્ર વિશ્વમાં ટોચ પર છે. આ દેશનું નામ ઈન્ડોનેશિયા છે. ઈન્ડોનેશિયામાં 98 ટકા લોકો રોજ પ્રાર્થના કરે છે. વિશ્વમાં ધર્મ કેન્દ્રીય સર્વેક્ષણો કરવા માટે પ્યુ રિસર્ચ સેન્ટર જાણીતું છે.
આ રિસર્ચ સેન્ટર દ્વારા દુનિયામાં કયા દેશમાં લોકો રોજ સૌથી વધુ પ્રાર્થના કરે છે તેનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા બે પ્રશ્ન પુછવામાં આવ્યા હતા કે તમારા જીવનમાં ધર્મ કેટલો મહત્વનો છે? અને બીજો પ્રશ્ન એ હતો કે તમે કેટલીવાર પ્રાર્થના કરો છો?. આ સરવેમાં 102 દેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરવે સને 2008માં શરૂ કરવામાં આવ્યો હતો અને 2023માં પુરો થયો હતો. આ સરવેના આધારે જે ડેટાઓ જાહેર કરવામાં આવ્યા તે ડેટા ચોંકાવનારા હતા. મુસ્લિમ દેશોમાં ધાર્મિકતા વધારે છે અને રોજ પ્રાર્થના કરનારા પણ વધારે છે. જ્યારે યુરોપના દેશો આ મામલે પાછળ છે.
સરવે પ્રમાણે સૌથી વધુ ધાર્મિક સ્થળો આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વ-ઉત્તર આફ્રિકાના દેશોમાં છે. જ્યારે સૌથી ઓછા ધાર્મિક સ્થળો યુરોપ અને પૂર્વ એશિયામાં છે. સરવેમાં સેનેગલ, માલી, તાન્ઝાનિયા, ગિની-બિસાઉ, રવાન્ડા અને ઝામ્બિયામાં 90 ટકા પુખ્ત લોકોએ એવી માન્યતા રજૂ કરી હતી કે તેમના જીવનમાં ધર્મ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. સૌથી ઓછા ધાર્મિક લોકો એસ્ટોનિયા, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, સ્વિટ્ઝરલેન્ડ, યુકે, સ્વીડન, લાતવિયા અને ફિનલેન્ડ દેશમાં જોવા મળ્યા હતા. જ્યારે સૌથી વધુ ધાર્મિક લોકો ઈન્ડોનેશિયામાં છે. આ દેશ સદીઓ પહેલા એટલે કે 11મી સદી પહેલા તમિલ હિન્દુ રાજાના કબજામાં હતો.
તે સમયે દક્ષિણ ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે મોટાપાયે વેપાર થતો હતો. ભારતીય વેપારીઓ, વિદ્વાનો, પાદરીઓ અને ખલાસીઓ દ્વારા પહેલી સદીમાં ઈન્ડોનેશિયામાં હિન્દુ ધર્મ લાવવામાં આવ્યો હતો. 7થી 16મી સદી સુધી ઈન્ડોનેશિયામાં હિન્દુ-બૌદ્ધ સામ્રાજ્યો દ્વારા ઈન્ડોનેશિયા સહિત વિશ્વના અનેક વિસ્તારો પર શાસન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મના શૈવ સંપ્રદાયનો વિકાસ 5મી સદીમાં જાવામાં થયો હતો. 5થી 13મી સદી સુધી જાવા, સુમાત્રા અને કાલિમંતનમાં હિન્દુ સામ્રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લું સૌથી મોટું સામ્રાજ્ય સને 1293થી 1500ની વચ્ચે માજાપહિતનું રહ્યું હતું. જે હિન્દુ,બૌદ્ધ ધર્મ અને વૈમન્સ્યવાદી સામ્રાજ્ય હતું. આજે પણ ઈન્ડોનેશિયાના છ સત્તાવાર ધર્મોમાં એક હિન્દુ છે. ઈન્ડોનેશિયામાં પાંચ લાખથી વધુ લોકો હિન્દુ છે. જ્યારે બાલીમાં આજે પણ 87 ટકા લોકો હિન્દુ છે.
જો ઈન્ડોનેશિયા અને બાલીની વાત કરવામાં આવે તો આજે પણ ઈન્ડોનેશિયાએ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ હોવા છતાં પણ તેના મૂળ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખ્યા છે. ઈન્ડોનેશિયામાં આજે પણ રામકથા ખૂબ પ્રિય છે. ઈન્ડોનેશિયામાં દૈનિક પ્રાર્થના ઘરોમાં ફાળો આપવામાં આવે છે અને આ રીતે ત્યાં રોજ પ્રાર્થના કરનારાઓની સંખ્યા વધારે છે. આશરે 95 ટકા લોકો ઈન્ડોનેશિયામાં રોજ પ્રાર્થના કરે છે. ઈન્ડોનેશિયામાં આજે 88 ટકા વસતી મુસ્લિમ છે. તેઓ રોજ પાંચ વખત નમાજ પઢે છે.
બીજી તરફ ભારત દેશમાં રોજ પ્રાર્થના કરનારા લોકોની સંખ્યા 60 ટકા છે. પ્રાર્થના કરનારા લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 41મો છે. નાઈજિરીયા એવો દેશ છે કે જેમાં 95 ટકા લોકો દૈનિક પ્રાર્થનામાં વ્યસ્ત રરે છે. અલ્જેરિયામાં 88 ટકા લોકો રોજ પ્રાર્થના કરે છે. જ્યારે સેનેગલમાં 88, જીબુટીમાં 87 ટકા લોકો રોજ પ્રાર્થના કરે છે. ગ્વાટેમાલા અને પુરૂગ્વેમાં 82 ટકા લોકો રોજ પ્રાર્થના કરે છે. કોસ્ટારિકા અને હોન્ડુરાસમાં આ આંક 78 ટકાનો છે. બીજી તરફ હોંગકોંગમાં આ આંક 13 ટકા અને જાપાનમાં માત્ર 19 ટકા જ છે. આ આંકડાઓએ કયા ધર્મના લોકો કેટલા કટ્ટર છે તે પણ બતાવ્યું છે.
એટલે કે એશિયા પેસેફિકમાં હિન્દુ અને બૌદ્ધની વસતી 99 ટકા છે. જ્યારે મુસ્લિમો 62 ટકા છે. ચીનમાં ધાર્મિક લોકો વધારે નથી. યુરોપમાં મોટાભાગે ખ્રિસ્તીઓની વસતી છે પરંતુ તેઓ પણ ધર્મ સાથે વધુ જોડાયેલા નથી. મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં 90 ટકા મુસ્લિમો છે. મુસ્લિમોની ધાર્મિકા ખૂબ ઉંચી હોય છે. ઈઝરાયેલમાં યહુદીઓ પણ ખૂબ ધાર્મિક હોય છે. મધ્યપૂર્વ અને ઉત્તર સિવાયનો આફ્રિકાનો જે પ્રદેશ છે તેમાં 24 ટકા ખ્રિસ્તી અને બાકીના મુસ્લિમો છે. એટલે તેમાં મિશ્ર ધાર્મિક લાગણીઓનો અનુભવ થાય છે. હિન્દુઓમાં ધાર્મિકતા વધારે હોય છે પરંતુ તેઓ રોજ પ્રાર્થનામાં જોડાતા નથી. મોટાભાગે હિન્દુઓ કટ્ટર પણ હોતા નથી. આ સરવેના આંકડાઓએ અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. વિશ્વમાં જે તે પ્રદેશોમાં બદલાતા ધર્મની વિગતો પણ જાહેર કરી છે. આ આંકડાઓમાં ધાર્મિક અને રાજકીય આગેવાનોને ભારે રસ પડે તેમ છે. પરંતુ તેનાથી એક વાત તો એટલી સાચી સાબિત થાય છે કે વિશ્વમાં ભૂતકાળમાં અનેક દેશોમાં હિન્દુ ધર્મનું પ્રચલન હતું તે નક્કી છે.