National

દિલ્હી-વારાણસીની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, યાત્રીઓમાં ગભરાટ ફેલાયો

નવી દિલ્હી: દિલ્હીથી (Delhi) વારાણસી (Varanasi) જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં (Indigo Flight) બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આજે 28 મે ના રોજ ઇન્ડિગોને આ માહિતી મળી હતી. ત્યાર બાદ વિમાનને તપાસ માટે આઈસોલેશન ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ ઉડ્ડયન સુરક્ષા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને માહિતી મળતા જ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી હતી અને ફ્લાઈટમાં સવાર લોકોને ઈમરજન્સી એક્ઝિટ આપવામાં આવી હતી. આ સાથે જ સુરક્ષાકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ તપાસ શરૂ કરવામાં આવી હતી. અસલમાં ઇન્ડિગોને માહિતી મળી હતી કે ઇન્ડિગોની દિલ્હીથી વારાણસી જતી ફ્લાઇટમાં બોમ્બ છે. બોમ્બની આ માહિતી મળતા જ વિમાનને ખાલી કરાવવામાં આવ્યું હતું. તેમજ તપાસ હાથ ધરવામાં આવી હતી.

લગભગ આજે સવારે 5:35 વાગ્યે દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ ફ્લાઇટમાં સવાર યાત્રિઓમાં ખળભળાટ મચી ગયો હતો અને એરપોર્ટ પ્રશાસન સહિત સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમજ યાત્રિઓને ઉતાવળમાં ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે તમામ મુસાફરો સુરક્ષિત હતા અને કોઈને નુકસાન થયું ન હતું.

સમગ્ર મામલે ઈન્ડિગોએ જણાવ્યું હતું કે દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટ (6E2211)ને આઈજીઆઈ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી હતી. તેમજ તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓની માર્ગદર્શિકા મુજબ એરક્રાફ્ટને દૂરના ખાડી પર લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને ટર્મિનલ વિસ્તારમાં પરત લાવવામાં આવશે.

આ પહેલા દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બની ધમકી પણ મળી હતી, ત્યારબાદ શાળાઓને પણ ખાલી કરાવવામાં આવી હતી. જો કે, બાદમાં માહિતી સામે આવી કે કોઈએ બોમ્બના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. આ સિવાય ગૃહ મંત્રાલયમાં પણ બોમ્બ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જે ખોટા સાબિત થયા હતા.

Most Popular

To Top