National

ઈન્ડિગોની ચેન્નાઈ-મુંબઈ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી, પ્લેનનું 172 યાત્રીઓ સાથે ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo flight) 6E 5314ને શનિવારે બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે યાત્રીઓમાં ગભરાટ ફેલાયો હતો. ધમકી (Threat) મળતા જ પ્લેનનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવું પડ્યું હતું. લેન્ડિંગ બાદ ફ્લાઇટમાં સવાર તમામ 172 યાત્રીઓને સુરક્ષિત રીતે ફ્લાઇટની બહાર લાવવામાં આવ્યા હતા.

ઈન્ડિગોએ આ મામલે શનિવારે એક નિવેદન જાહેર કર્યું હતું, જે મુજબ તમામ 172 યાત્રીઓ વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. તેમજ પ્લેન હજુ તપાસ હેઠળ છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટને ફરી ટર્મિનલ વિસ્તારમાં લઈ જવામાં આવશે.

અગાઉ પણ ધમકીઓ મળી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે સવારે લગભગ 8.45 વાગ્યે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ યાત્રીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. ઈન્ડિગોની ફ્લાઈટ 6E5314, ચેન્નાઈ-મુંબઈ રૂટ પર હતી, દરમિયાન ધમકીની જાણ થતા જ પાયલટે શનિવારે ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. લેન્ડિંગ પહેલા મુંબઈ ATCને ધમકીની જાણ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડીયામાં ઈન્ડિગો ફ્લાઈટ સાથે સંબંધિત આવી બીજી ઘટના છે. અગાઉ 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની કથિત ધમકી મળી હતી.

ઈન્ડિગોએ નિવેદન જારી કર્યું
ચેન્નાઈ-મુંબઈ ફ્લાઈટ પર કથિત બોમ્બની ધમકીની પુષ્ટિ કરતા ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મુંબઈમાં ઉતરાણ કર્યા બાદ, ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને સુરક્ષા એજન્સીની માર્ગદર્શિકા અનુસાર વિમાનને આઈસોલેશન ખાડીમાં લઈ ગયા હતા. તમામ મુસાફરો સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતરી ગયા છે, જેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટને ફરી ટર્મિનલ વિસ્તારમાં મૂકવામાં આવશે.’

તપાસમાં કંઈ મળ્યું ન હતું
આઇસોલેશન ખાડી પર પ્લેનમાંથી યાત્રિઓને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા બાદ સુરક્ષા અધિકારીઓએ આખા પ્લેનનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું. તેમજ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, બોમ્બની ધમકીનો કોલ અફવા ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હોઈ શકે છે. હાલ ધમકીભર્યો ફોન ક્યાંથી આવ્યો અને કોણે કર્યો તેની તપાસ ચાલી રહી છે. તેમજ આરોપી કોલરની જાણ થતા જ તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top