Comments

ભારતનું તેલસંકટઃ ‘સાપે છછૂંદર ગળ્યું’ તેવી સ્થિતિ છે

સમાચારો મુજબ ભારતીય વડા પ્રધાને ઇરાનના પ્રેસિડેન્ટ પેજેસ્કીયનને ભારત માટે વહન કરવામાં આવી રહેલ તેલ અને ગૅસના કાર્ગો હોરમુઝની સામુદ્રધૂનીમાંથી પસાર થવા દેવાની મંજૂરી આપવા વિનંતી કરી. એના પ્રત્યુત્તરમાં જે વાત ફરતી થઈ છે તેમાંથી સાચું શું છે તેનો ખુલાસો કાં તો ભારત કરી શકે કાં તો ઇરાન કરી શકે. સામાન્ય તર્કમાં એ વાત ચોક્કસ બેસે છે કે, ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનોઈ ઇઝરાયલના હુમલામાં શહાદતને વર્યા ત્યારે એક સામાન્ય રાજકીય શિરસ્તા તરીકે પણ આપણે ઇરાનની પ્રજા માટે સહાનુભૂતિ દર્શાવવાનું અને તેના પર આવી પડેલ આઘાતમાં મલમપટ્ટા કરતી આપણી સંવેદના વ્યક્ત કરવાનું ચૂકી ગયા હતા.

કદાચ આગળ જતાં આ ભૂલ ધ્યાને આવી હશે એટલે ભારતના વિદેશ સચિવશ્રી મિસરી ઇરાનના દૂતાવાસે પહોંચ્યા અને શોકસંદેશની નોંધ લખીને ભારત વતી કાંઈક અંશે ભૂલ સુધારી. દરમિયાનમાં ભારતને તેલ અને ગૅસના પુરવઠાનો કાપ પણ વર્તાવા લાગ્યો એટલે ઘરવપરાશના કુકિંગ ગૅસ અને હૉટલ-રેસ્ટોરાંના કોમર્શિયલ ગૅસ ઉપર ભાવવધારો નાખવો પડ્યો અને આમ છતાંય LPG સિલિન્ડરની શોર્ટેજને કારણે મુંબઈની લગભગ ૨૫ ટકા હૉટેલ/રેસ્ટોરાં કાં તો બંધ છે અથવા ગૅસની તીવ્ર તંગીનો સામનો કરી રહી છે. ક્રુડ ઑઇલનો પુરવઠો પણ હવે પછી દબાણ હેઠળ આવશે અને એની કિંમત પ્રતિબેરલ ૧૨૦ ડૉલર સુધી વધી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.

ભારતના કુલ વપરાશના ૮૦ ટકા ક્રુડ ઑઇલ અને ગૅસ આપણે આયાત કરીએ છીએ. એની આંતરરાષ્ટ્રીય કિંમતમાં જો એક ડૉલર પ્રતિ બેરલ ભાવવધારો થાય તો ભારતના આયાત બિલમાં વિદેશી મુદ્રામાં ૧.૨થી ૧.૮ અબજ ડૉલર જેટલો વધારો થાય. એ પણ સમજાવું જોઈએ કે, ઊર્જાની વધતી કિંમત સ૨વાળે બધી જ કિંમત વધારે છે. આમ, જો પ્રતિબેરલ દસ ડૉલર જેટલો વધારો થાય તો ૦.૨થી ૦.૫ ટકા જેટલો જીડીપીમાં ઘટાડો થાય. આમ, ભારત ઉપર તોળાઈ રહેલ તેલ અને ગૅસ પ્રતિબંધોનાં પરિણામો બહુ ઝડપથી દેખાવા માંડશે.

હોરમુઝ સામુદ્રધૂની ભારતના ક્રુડ ઑઇલ અને LPGના સંદર્ભે અત્યંત વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. હોરમુઝની સામુદ્રધુની ઇરાન અને ઓમાન વચ્ચેનો સંકુચિત જળમાર્ગ છે, જે પર્શિયન ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના ૨૦ ટકા તેલ અને ગૅસનું ૨૦ મિલિયન બેરલ ક્રુડ ઑઇલ આ જળમાર્ગમાંથી રોજ પસાર થાય છે. ભારતમાં આયાત થતાં ક્રુડ ઑઇલના ૪૦થી ૫૦ ટકા અને LPG, LNGની ૬૦ ટકા આયાત આ જળમાર્ગ થકી થાય છે જે ઇરાક, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોમાંથી આવે છે.

તાજેતરમાં રશિયન ઑઇલને કારણે ભારતની હોરમુઝ ઉપરની નિર્ભરતા ઘટી છે, છતાં હજુ પણ આ માર્ગમાંથી દરરોજ ૨.૫ થી ૨.૭ મિલિયન બેરલ ક્રુડ ઑઇલ ભારત માટે પસાર થાય છે. જો એ બંધ થઈ જાય તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ જેવી પ્રોડક્ટના ભાવ વધે જેની સીધી અસર અર્થતંત્ર પર થાય. ભારતની LNGની ૫૫થી ૬૫ ટકા (ખાસ કરીને કતારમાંથી ૪૦ ટકા) હોરમુઝમાંથી પસાર થાય છે જ્યારે ભારતની LPG આયાતનો અંદાજે ૮૦થી ૯૦ ટકા ભાગ હોરમુઝમાંથી પસાર થાય છે, જે ખાડીના દેશોમાંથી આવે છે અને ભારતની ૬૦ ટકા જરૂરિયાત પૂરી કરે છે. મહત્ત્વની વાત એ છે કે LPG માટે આપણી પાસે કોઈ સ્ટ્રેટેજિક રિઝર્વ ક્ષમતા નથી, જેને પરિણામે હોરમુઝના માર્ગમાં વિક્ષેપ ઊભો થાય તો ઘરગથ્થુ ઈંધણની અછત થઈ શકે છે, જે અનુભવવાનું આપણે શરૂ કર્યું છે.

ગૃહિણીના રસોડાને, રેસ્ટોરાં/હૉટલને તેમજ ઔદ્યોગિક વપરાશને આની અછત તો નડે જ છે અને ભાવવધારો પણ નડે. હોરમુઝ સ્ટ્રેટમાંથી આપણો ક્રુડ ઑઇલ તેમજ LPG/LNG પુરવઠો આવતો બંધ થાય તો એ ભારતનું નાક દબાવવાનું કામ કરે અને એટલે જ કદાચ ભારતના વડા પ્રધાને ઇરાનના પ્રમુખને હોરમુઝમાંથી ભારત માટેનો તેલ અને ગૅસનો પુરવઠો પસાર થવા દેવા સંમતિ આપવા વિનંતી કરી હશે. ઇરાને આ મંજૂરી આપી કે નહીં એના અધિકૃત સમાચાર મળતા નથી. દરમિયાનમાં અમેરિકાએ આખી દુનિયાને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. જય હો..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top