અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા લગભગ 20 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મિડલ ઇસ્ટમાં ભારે તણાવ સર્જાયો છે. આ સંજોગોમાં ભારત માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર આવ્યા છે. ગ્લોબલ ટેન્શન વચ્ચે ભારતે પોતાની સમજદારીભરી કૂટનીતિથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મારફતે પોતાના LPG ટેન્કરોને સુરક્ષિત રીતે પસાર કરાવવામાં સફળતા મેળવી છે. યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે ભારત સહિત ઘણા દેશોમાં ઊર્જા સંકટ ઊભું થવાનું જોખમ વધ્યું હતું. કારણ કે ભારત પોતાની LPG જરૂરિયાતનો મોટો ભાગ આ જ માર્ગથી આયાત કરે છે. આવી પરિસ્થિતિમાં ભારત માટે આ જળમાર્ગ ખૂલવો અત્યંત જરૂરી બની ગયો હતો.
રિપોર્ટ્સ મુજબ, ભારતે માર્ચ મહિનામાં જ કૂટનીતિક પ્રયાસો શરૂ કરી દીધા હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ ભારતે સંવેદના વ્યક્ત કરીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસમાં જઈને શોક નોંધાવ્યો હતો, જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાના ઈરાની સમકક્ષ સાથે ચર્ચા કરી હતી. આ પગલાં ભારત-ઈરાન સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ બન્યા. આ દરમિયાન ભારતે માનવતાના ધોરણે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કોચ્ચિ બંદરે અટવાયેલા ઈરાની જહાજના 183 ક્રૂ સભ્યોને ભારતે સુરક્ષા આપી અને તેમને વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી. ભારતના આ પગલાને ઈરાને સકારાત્મક રીતે લીધું, જેના કારણે બંને દેશો વચ્ચે સંવાદના દરવાજા ફરીથી ખુલ્યા.
આ સાથે વડાપ્રધાન Narendra Modiએ પણ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને ટેન્કરોની સરળ અવરજવર માટે અપીલ કરી હતી. તેના થોડા જ દિવસોમાં ભારતીય LPG ટેન્કરોને સુરક્ષિત રીતે પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ભારતે યોગ્ય સમયે કરેલી કૂટનીતિ અને માનવતાવાદી અભિગમથી એક મોટા ઊર્જા સંકટને ટાળી દીધો છે.