નવી દિલ્હી: ભારત(INDIA)ને 40થી વધુ દેશો તાત્કાલિક ઑક્સિજન (OXYGEN) સંબંધિત ઉપકરણો અને જરૂરી દવાઓ (MEDICINE) પૂરી પાડવા તૈયાર થયા છે. જેથી કોરોના મહામારીની બીજી લહેર(SECOND WAVE)ની અસર ઘટાડવા મદદ મળી શકે. એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત તાત્કાલિક 550 જેટલા ઑક્સિજન પ્લાન્ટ, 4,000 ઑક્સિજન કૉન્સન્ટ્રેટર, 10,000થી વધુ ઑક્સિજન સિલિન્ડર અને 17 ક્રાયોજેનિક ઑક્સિજન ટેન્ક મેળવવા અંગે વિચાર કરી રહ્યું છે. જેમાંથી કેટલાક યુનિટ પહેલેથી જ ભારત આવી ચૂક્યા છે.
મોડી રાત્રે વિદેશમંત્રી એસ. જયશંકરે સમગ્ર વિશ્વના ભારતીય મિશનના પ્રમુખો સાથે વીડિયો કૉન્ફરન્સ કરીને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને જરૂરીયાતો અંગે જાણકારી આપી હતી. વિદેશ સચિવએ એમ પણ કહ્યું હતું કે, ભારત ઇજિપ્તમાંથી રેમડેશિવીર(REMDESIVIR)ના 400,000 યુનિટ્સ ખરીદવા અંગે પણ વિચાર કરી રહી છે. આ ઉપરાંત, સંયુક્ત અરબ અમીરાત, બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી પણ તેને મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. દેશમાં કોરોના સામે લડવા ગુરુવારે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી વધુ તબીબી પુરવઠો ભારત પહોંચ્યો હતો. જેમાં વહેલી સવારે રશિયાથી 20 ટન જથ્થો પહોંચાડ્યો હતો. જેમાં મુખ્યત્વે ઑક્સિજન કૉન્ટ્રેસેન્ટર્સ, વેન્ટિલેટર (VENTILATOR) અને દવાઓ સામેલ હતી.
આ ઉપરાંત, વહેલી સવારે યુકેથી 120 ઑક્સિજન કૉન્ટ્રેસેન્ટર્સનો જથ્થો પણ પહોંચ્યો હતો. સંયુક્ત અરબ અમીરાતે પણ તબીબી પુરવઠાનો માલ પહોંચાડ્યો જેમાં 157 વેન્ટિલેટર અને 480 BiPAP મશીનો અને અન્ય સામગ્રી સામેલ હતી. રોમાનિયન દૂતાવાસે જણાવ્યું છે કે, બુક્સારેસ્ટથી બુધવારે બપોરે 80 ઑક્સિજન કૉન્સેન્ટર્સ, 75 ઑક્સિજન સિલિન્ડર અને 20 હાઈ ફ્લો ઑક્સિજન થેરેપી ઉપકરણો સાથેનું વિમાન ઉડાન ભર્યું હતું અને જે ગુરુવારે રાત્રે દિલ્હી પહોંચશે. યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને અનેક ઇમર્જન્સી કોવિડ રાહત શિપમેન્ટનો પ્રથમ જથ્થો ભારતને મોકલ્યો હતો જેમાં 440 ઑક્સિજન સિલિન્ડર અને અન્ય સામાન હતો. તેમજ 960,000 રેપિડ ટેસ્ટ કીટ અને 100,000 એન 95 માસ્ક સામેલ હતા.
આયર્લેન્ડથી 700 ઑક્સિજન કન્સેન્ટર્સ, એક ઑક્સિજન જનરેટર અને 365 વેન્ટિલેટર સહિતની તબીબી પુરવઠો ભારત આવ્યો હતો. ભારતને સહાય મોકલનારા અગ્રણી દેશોમાં યુએસ(US), રશિયા(RUSSIA), ફ્રાંસ(FRANCE), જર્મની(GERMANY), ઑસ્ટ્રેલિયા(AUSTRALIA), આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, સિંગાપોર, પોર્ટુગલ, સ્વીડન, ન્યુઝીલેન્ડ, કુવૈત અને મોરેશિયસનો સમાવેશ થાય છે.