Sports

પેડી અપ્ટનની મેન્ટલ કન્ડીશનીંગ કોચ તરીકે ટીમ ઇન્ડિયામાં વાપસી

પોર્ટ ઓફ સ્પેન : 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના (Indian Team) સપોર્ટ સ્ટાફમાં સામેલ જાણીતો મેન્ટલ કન્ડીશનીંગ કોચ (Coach) દક્ષિણ આફ્રિકન પેડી અપ્ટન ફરી એકવાર ટીમ ઇન્ડિયા સાથે જોડાયો છે. આ વર્ષના અંતે યોજાનારા ટી-20 વર્લ્ડકપ પહેલા ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટ (Contract) હેઠળ અપ્ટન વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ગયેલી ભારતીય ટીમ સાથે મેન્ટલ કન્ડીસનિંગ કોચ તરીકે સપોર્ટ સ્ટાફમાં (Staff) સામેલ થયો છે. જે પાંચ મેચની ટી-20 સીરિઝ દરમિયાન પોતાની સેવા આપશે.

  • રાહુલ દ્રવિડની ખાસ ભલામણથી ટી-20 વર્લ્ડકપ પહેલા પેડી અપ્ટનને ટીમ ઇન્ડિયા સાથે જોડવામાં આવ્યો
  • પેડી અપ્ટન ભારતીય ટીમ સાથે 2011ના વર્લ્ડકપ દરમિયાન ગેરી કર્સ્ટનના સહાયક તરીકે ટીમમાં સામેલ હતો

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ભલામણને પગલે અપ્ટનને ટીમ સાથે જોડવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડે જ્યારે રાજસ્થાન રોયલ્સનો કોચ હતો ત્યારે અપ્ટન પણ આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો હતો. તે પછી દિલ્હી ડેરડેવિલ્સમાં પણ આ બંને સાથે કામ કરી ચૂક્યા છે. બીસીસીઆઇના એક સીનિયર સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે અપ્ટન વેસ્ટઇન્ડિઝ સામેની બુધવારે રમાનારી ત્રીજી વન ડેથી ટીમ સાથે જોડાયો છે અને તેની સાથે ટૂંકા ગાળાનો ચાર મહિનાનો કોન્ટ્રાક્ટ કરાયો છે, અર્થાત તેનો કોન્ટ્રાક્ટ ટી-20 વર્લ્ડકપના અંત સુધી રહેશે.

અપ્ટન વિરાટ કોહલી માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકશે
ભારતીય ટીમ સાથે 2008થી 2011ના ગાળાના પહેલા કાર્યકાળ દરમિયાન અપ્ટને જે કેટલાક ખેલાડીઓ સાથે કામ કર્યું છે તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે અપ્ટન ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી સાથે કેટલાક સેશન કરી શકે છે. ભારતના એક માજી ખેલાડીએ કહ્યું હતું કે અપ્ટન ટીમ સાથે ફરી જોડાયો તે સારી વાત છે, તે કોહલી માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

Most Popular

To Top