ગુવાહાટી ખાતે રમાયેલ બીજા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનની વિશાળ હાર આપીને આ ટેસ્ટ સીરિઝમાં 2-0થી જીત મેળવી. ટેસ્ટ ઇતિહાસમાં રનની દૃષ્ટિએ જોતાં આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર રહી છે.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 489 રનનો ભવ્ય સ્કોર બનાવ્યો. તેના જવાબમાં ભારતીય ટીમ ફક્ત 201 રન બનાવી શકી. બાદમાં આફ્રિકાએ બીજી ઇનિંગમાં 260/5 પર ડિક્લેર કરી. જેથી ભારત સામે 549 રનનો લક્ષ્યાંક મુકાયો.
પાંચમા દિવસે ભારતની બીજી ઇનિંગમાં બેટિંગ નિષ્ફળ રહી અને આખી ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પરિણામે ભારતને 408 રનથી હારનો સામનો કરવો પડ્યો. જે અત્યાર સુધીની તેની સૌથી મોટી ટેસ્ટ હાર છે. અગાઉ 2004માં નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 342 રનની હાર સૌથી મોટી હતી. જેનો રેકોર્ડ આ ટેસ્ટ મેચમાં તૂટ્યો છે.
આફ્રિકન બોલિંગનો દબદબો
દક્ષિણ આફ્રિકાના બોલર્સે બંને ઇનિંગમાં ઘાતક સ્પેલ નાખ્યા. ખાસ કરીને સિમોન હાર્મરે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી અને મેચમાં કુલ 9 વિકેટ લીધી. ભારતીય બેટ્સમેનોને તેઓ સામે લય જાળવી રાખવું મુશ્કેલ બન્યું હતું.
ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 201 અને બીજી ઇનિંગમાં માત્ર 140 રન જ બનાવી શકી. કોઈપણ મોટી ભાગીદારી કે લાંબી ઇનિંગ જોવા મળી નહીં. જેના કારણે દબાણ વધુ વધતું ગયું.
મેચ અને સીરિઝના હીરો
- મેચનો શ્રેષ્ઠ ખેલાડી: માર્કો જેનસેન (93 રન, 6/48 અને 1/23)
- સીરિઝનો શ્રેષ્ઠ ખેલાડી: સિમોન હાર્મર (કુલ 17 વિકેટ)
માર્કો જેનસેનનું ઓલરાઉન્ડ પ્રદર્શન આફ્રિકાની જીતમાં નિર્ણાયક સાબિત થયું. હાર્મરના સ્પિન હુમલાએ સમગ્ર સીરિઝમાં ભારતીય બેટિંગ લાઇન-અપને હચમચાવી દીધું.
દક્ષિણ આફ્રિકાએ ભારતમાં 25 વર્ષ પછી ટેસ્ટ શ્રેણી જીતી છે. છેલ્લે 2000માં હેન્સી ક્રોન્જેની આગેવાનીમાં આફ્રિકાએ ભારતને 2-0થી હરાવ્યું હતું. આ વખત પણ ટેમ્બા બાવુમાની ટીમે કોલકાતા અને ગુવાહાટી બંને ટેસ્ટ જીતીને ક્લીન સ્વીપ નોંધાવ્યો.
ભારત માટે આ પરાજય એક મોટો પાઠ સાબિત થઈ શકે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે આ ઇતિહાસિક જીત આત્મવિશ્વાસ વધારનારી છે.