World

અમેરિકાના બર્કલેમાં ગૂમ થયેલો ભારતીય વિદ્યાર્થી છ દિવસ પછી મૃતાવસ્થામાં મળી આવ્યો

અમેરિકાના કેલિફોર્નિયાથી ગૂમ થયેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો છ દિવસ બાદ મૃતદેહ મળતા શોક પ્રસરી ગયો હતો. આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો રહેવાસી હતો અને તે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. તે યુનિવર્સિટી ઓફ, બર્કલેમાં કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગ વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો હતો. માહિતી અનુસાર, વિદ્યાર્થી છેલ્લે કેમ્પસ નજીક જોવા મળ્યો હતો, ત્યારબાદ તે અચાનક સંપર્ક બહાર થઈ ગયો. મિત્રો અને પરિવારજનોએ તેની સાથે સંપર્ક ન થતાં સ્થાનિક પોલીસને જાણ કરી અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ અને રાહત ટીમોએ નજીકના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. શોધ દરમિયાન ટિલ્ડેન રીજનલ પાર્ક નજીક આવેલા એક ઘર પાસે તેની બેગ અને કેટલીક વ્યક્તિગત વસ્તુઓ મળી આવી હતી, જેના આધારે તપાસ વધુ તેજ બનાવવામાં આવી હતી. સતત છ દિવસ સુધી ચાલેલી શોધ બાદ અધિકારીઓએ તેનો મૃતદેહ મળી હોવાની પુષ્ટિ કરી હતી. હાલ મોતના ચોક્કસ કારણ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે. ભારતીય દૂતાવાસ પરિવાર સાથે સંપર્કમાં છે અને જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. સાથે તેનો મૃતદેહ ભારત લાવવા પૂરતી સહાય પણ કરવામાં આવશે એમ ભારતીય દૂતવાસે ખાતરી આપી હતી. આ ઘટના બાદ વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે, અને અનેક લોકો દ્વારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top