શુક્રવારે ભારતના શેરબજારો ઓલટાઈમ હાઈપર પહોંચી ગયા હતા. ભારતમાં હાલના સંજોગોમાં જીડીપીનો એટલો ગ્રોથ નથી પરંતુ તેમ છતાં પણ જે રીતે સફેદ નાણું વધી રહ્યું છે તેને પગલે શેરબજારોમાં પણ નાણાં ઠલવાઈ રહ્યા છે. શુક્રવારે નબળા વૈશ્વિક બજારો તેમજ યુએસના અપેક્ષિત ફુગાવાના આંકડાઓ પર ચિંતા હોવા છતાં પણ રોકાણકારો શેરબજારમાં નાણાં ઠાલવી જ રહ્યા છે. શુક્રવારે જાયન્ટ આઈટી કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રભાવશાળી પરિણામોને કારણે શેરબજારે નવા શિખરો સર કર્યા અને રોકાણકારોની સંપત્તિમાં 2.50 લાખનો વધારો થઈ ગયો. છેલ્લે જ્યારે બજાર બંધ રહ્યા ત્યારે નિફ્ટી ઓલટાઈમ હાઈ 21848 અને સેન્સેક્સ ઓલટાઈમ હાઈ 72513 પર પહોંચ્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી તેજી ચાલી રહી છે અને તેને કારણે હવે રોકાણકારોએ સમજીને રોકાણ કરવાની ઘડી પણ આવી ગઈ છે.
શેરબજારમાં ભલે જે તે કંપનીના દેખાવોના આધારે શેરના ભાવોમાં વધ-ઘટ થતી હોય પરંતુ એ વાત પણ એટલી જ સત્ય છે કે શેરબજાર એક સટ્ટા સમાન છે. શેરબજારમાં કોઈ જ કારણ વિના પણ ઘટાડો થઈ શકે છે અને તેની પાછળ ઓપરેટરો જવાબદાર હોય છે. હાલમાં ઓપરેટરો શેરબજારને ઉપર લઈ જવાના મૂડમાં છે અને તેને કારણે વિદેશી રોકાણકારો પોતાના શેર વેચી રહ્યા હોવા છતાં પણ બજારો ઉંચા જઈ રહ્યા છે. લાંબા સમય બાદ શેરબજારમાં આઈટીના શેરોમાં વધારો દેખાયો છે. આઈટી સાથે સંકળાયેલી જાયન્ટ કંપની ઈન્ફોસીસ, એચસીએલ, ટીસીએસ સહિતના કંપનીઓના શેરમાં શુક્રવારે વૃદ્ધિ જોવા મળી હતી. આ જાયન્ટ આઈટી કંપનીના શેરમાં વધેલા ભાવોને કારણે નિફ્ટી અને સેન્સેક્સ બંને હાઈ લેવલે પહોંચ્યા હતા અને શેરબજારનું માર્કેટ કેપિટલ પણ વધીને 372.98 લાખ કરોડ થઈ જવા પામ્યું હતું. માર્કેટ કેપ વધવાને કારણે રોકાણકારોએ લાખો રૂપિયાની કમાણી પણ કરી હતી.
શેરબજાર માટે એવું કહેવાય છે કે તેમાં રોકાણ કરનારા 10 પૈકી માત્ર 1 જ કમાઈ શકે છે. ભૂતકાળમાં પણ શેરબજારમાં આવેલી તેજીઓમાં લાખો રોકાણકારોએ નાણાં ગુમાવ્યા જ છે. હાલમાં પણ શેરબજારમાં તેજી ચાલી રહી છે ત્યારે આ સંજોગોમાં શેરબજારમાં સમજી-વિચારીને રોકાણ કરવું જ હિતાવહ છે. શેરબજાર જે તે કંપની ફન્ડામેન્ટલી કેટલી મજબુત છે તેની પર ચાલતું નથી. શેરબજાર હંમેશા સેન્ટિમેન્ટ પર જ ચાલે છે અને ઓપરેટરો દ્વારા તેનો ગેરલાભ લેવામાં આવે છે. ઓપરેટરો દ્વારા બજારને ઉપર પણ લઈ જવામાં આવે છે અને નીચે પણ લઈ જવામાં આવે છે.
આ કારણે જ શેરબજારમાં લાંબા સમયનું રોકાણ મોટાભાગે ફાયદો કરાવે છે પરંતુ જો શેરબજારમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવામાં રોકાણકારોએ નુકસાન ભોગવવાનો વારો આવે છે. ઓપરેટરો કેવી રીતે શેરબજારને હચમચાવે છે તેના પુરાવારૂપે ભૂતકાળમાં હર્ષદ મહેતા અને કેતન પારેખના દાખલા મોજુદ છે. હાલમાં શેરબજાર ઓલટાઈમ હાઈ ચાલી રહ્યા છે અને બની શકે કે લોકસભાની ચૂંટણી સુધી આ રેલી જળવાયેલી રહે પરંતુ ચૂંટણી બાદ શેરબજારોમાં કરેકશન આવવાની મોટી સંભાવના છે.
હાલમાં શેરબજારમાં વિવિધ શેર અંગેની ટિપ્સ આપનારાઓ પણ ફૂટી નીકળ્યા છે. રોકાણકારોએ આવા સલાહકારોથી પણ બચવાની જરૂરીયાત છે. આવા સલાહકારો પોતાના લાભ માટે મોટાભાગે ખોટી સલાહ આપે છે અને તેને કારણે તેમાં રોકાણ કરનારાઓ ભેરવાઈ જાય છે. શેરબજારમાં એવું કહેવાય છે કે જેનું નસીબ હોય તે જ કમાઈ શકે છે પરંતુ જો સમજી-વિચારીને રોકાણ કરવામાં આવે તો શેરબજારમાંથી રોકાણકારો સારૂં કમાઈ શકે છે. બેંકો દ્વારા અપાતા વ્યાજ કરતાં તો શેરબજારમાં મળતર વધારે જ હોય છે. રોકાણકારો શેરબજારમાં રોકાણ કરતાં પહેલા શેરબજારને સમજી લેશે તો તેઓ નુકસાન નહીં કરે તે નક્કી છે.