Business

શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 76,615 ને પાર, નિફ્ટી પણ ઉછળ્યો

નવી દિલ્હી: ભારતીય શેરબજારની (Indian stock market) શરૂઆત આજે 12 જૂનના રોજ ઉછાળા સાથે થઈ હતી અને આજે પણ બજારને આઈટી ઈન્ડેક્સથી (IT Index) સપોર્ટ મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ આઈટી ઈન્ડેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને બેન્ક નિફ્ટી પણ વૃદ્ધિના લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યો હતો. આજે તેલ અને ગેસના શેરોમાં વૃધ્ધિ જોવા મળી હતી અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સતત ઉતાર-ચઢાવ વચ્ચે સ્થાનિક શેરબજારે આજે બુધવારે ઝડપી ગતિએ ટ્રેડિંગ શરૂ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંને લીલા રંગમાં ખુલ્યા હતા. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 159.33 પોઈન્ટના વધારા સાથે 76615.92 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 48.25 ના વધારા સાથે 23313.10 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટી પર HCL ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, BPCL, વિપ્રો અને LTIMindtree ગેનર્સમાં હતા, જ્યારે એશિયન પેઇન્ટ્સ, ટાઇટન કંપની, ગ્રાસિમ, NTPC અને HUL નુકસાન સાથે વેપાર કરતા જોવા મળ્યા હતા.

સેન્સેક્સ શેરોની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 8 શેરોમાં ઘટાડો જોવા મળ્યોહતો. જેમાં ટાટા મોટર્સનો શેર 1.40 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યો હતો. HCL ટેક, વિપ્રો, ટાટા સ્ટીલ, પાવરગ્રીડ અને ભારતી એરટેલના શેર પણ સૌથી વધુ ઉછળ્યા હતા. આ સાથે જ લૂઝર્સ શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, એચયુએલ, આઇટીસી અને નેસ્લેનો સમાવેશ થાય છે.

નિફ્ટી શેર અપડેટ
આજે સવારે નિફ્ટીના 50માંથી 41 શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં હતા અને 9 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં BPCL 2.04 ટકા અને ટાટા મોટર્સ 1.91 ટકા ઉપર હતા. આ સાથે જ કોલ ઈન્ડિયાએ 1.85 ટકાનો વધારો દર્શાવ્યો હતો. આ સાથે જ એચસીએલ ટેક અને એલટીઆઈ માઇન્ડટ્રી 1.59 ટકાના સમાન વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

BSE શેર અપડેટ
હાલમાં BSE પર 3338 શેરોમાં વેપાર થઈ રહ્યો હતો અને જેમાંથી 2508 શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ 729 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 101 શેરો કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા હતા. 165 શેરમાં અપર સર્કિટ હતુ અને 28 શેરમાં ઘટાડો જોપવા મળ્યો હતો. 142 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 12 શેર નીચા સ્તરે હતા.

આજે F&O માં સામેલ કંપનીઓ
NSE એ 12 જૂન 2024 ના રોજ F&O માં બલરામપુર ચીની મિલ્સ, GMR એરપોર્ટ, હિન્દુસ્તાન કોપર, SAIL, ઇન્ડિયા સિમેન્ટ અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થયો હતો. NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 111.04 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ 11 જૂન, 2024ના રોજ રૂ. 3,193.29 કરોડના શેર ખરીદ્યા હતા.

ક્રૂડ ઓઈલ અને રૂપિયાની સ્થિતિ
બુધવારે સવારે WTI ક્રૂડના ભાવ 0.44% વધીને $78.08 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.11% વધીને $82.01 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય ભારતીય રૂપિયો શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે 5 પૈસા વધીને 83.54 ના સ્તર પર પહોંચ્યો હતો.

Most Popular

To Top