નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 23મી જુલાઈએ સતત 7મું બજેટ (Budget) રજૂ કર્યું હતું. ત્યારે બજેટની રજૂઆત દરમિયાન શેરબજારના સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) લીલા નિશાન સાથે ખુલવા છતા ગગડ્યા હતા. ત્યારે એવું માનવામાં આવતું હતું કે, જો સરકાર કેપિટલ ગેઇન્સ ટેક્સ અંગે કોઈ જાહેરાત કરશે તો તેની સીધી અસર બજારમાં જોવા મળશે. પરંતુ સરકારે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કર્યો છે, જેનાથી રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.
બજેટની જાહેરાત પહેલાથી જ માનવામાં આવતું હતું તેમ, સરકાર કેપિટલ ગેઇન્સ ટેક્સ અંગે જાહેરાત કરી શકે છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે રોકાણકારોને ચોંકાવી દીધા હતા. કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ 2 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે શેરબજારમાં હોબાળો મચી ગયો છે.
બજેટની રજૂઓત સમયે શેરબજારમાં કડાકો
નાણામંત્રીના બજેટ ભાષણ બાદ સેન્સેક્સ ટ્રેડિંગમાં 1300 પોઈન્ટ્સ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 24,150 પોઈન્ટની નીચે રહ્યો હતો. જોકે થોડા સમય બાદ સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડીને રિકવર થઈને 400 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 24,400 પોઈન્ટની નીચે રહ્યો હતો.
બજેટ સ્પીચ શરૂ થતાં જ માર્કેટ મજબૂત થયું હતું
નાણામંત્રીના બજેટ ભાષણ શરૂ થતાં જ શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 199.79 પોઈન્ટના વધારા સાથે 80701.87 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 41.70 પોઈન્ટના ઉછાળા સાથે 24,550.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ શેરો સૌથી વધુ વધ્યા, સૌથી વધુ ઘટ્યા
આજે નિફ્ટી પર અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લાઇફ, એમએન્ડએમ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને આઇશર મોટર્સના શેર સૌથી વધુ ઉછળ્યા હતા, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, એચસીએલ ટેક, ઓએનજીસી, એચડીએફસી બેન્ક અને ડિવિસ લેબ્સના શેર સૌથી વધુ ઘટ્યા હતા.
કૃષિ સંબંધિત શેરોમાં વધારો
કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણીની જાહેરાત પછી, કૃષિ સંબંધિત શેરોમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઝીંગા ઉછેરની યોજનાની જાહેરાત પછી, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ, અવંતિ ફીડ્સ, વોટરબેઝના શેર આઠ ટકા વધ્યા હતા.