Editorial

સ્વીસ બેંકોમાં ભારતીયોના નાણા વધ્યા: ખુશ થવું કે નારાજ થવું?

સ્વીસ બેન્કોમાં ભારતીયોએ મૂકેલા નાણા ૨૦૨૪માં ત્રણ ગણા કરતા વધુ થઇને ૩.પ અબજ સ્વીસ ફ્રાન્ક્સ(લગભગ રૂ. ૩૭૬૦૦ કરોડ) થઇ ગયા છે, જે સ્થાનિક  બ્રાન્ચો અને અન્ય નાણાકીય સંસ્થાઓ મારફતે મૂકાયેલા ભંડોળોમાં આવેલા મોટા ઉછાળાને કારણે બન્યું છે એમ સ્વીત્ઝર્લેન્ડની મધ્યસ્થ બેન્ક દ્વારા જારી કરવામાં  આવેલા વાર્ષિક આંકડા દર્શાવતા હતા. જો કે આ વર્ષ દરમ્યાન ગ્રાહકોના ખાતાઓમાં મૂકવામાં આવેલા નાણામાં ફક્ત ૧૧ ટકાનો  વધારો થયો છે.  હાલના ભંડોળો એ  ૨૦૨૧ પછી આ સૌથી વધુ છે, જ્યારે સ્વિસ બેંકોમાં ભારતીયોનું કુલ નાણું ૧૪ વર્ષના  ઉચ્ચતમ સ્તર ૩.૮૩ અબજ સ્વિસ ફ્રેંક પર પહોંચી ગયું હતું.

સ્વીસ બેંકોમાં અનેક દેશોના લોકોના વ્યાપક કાળા નાણા પડેલા છે એવી વૈશ્વિક સ્તરે બૂમરાણો પછી સ્વીસ બેંકોએ ગોપનીયતાના નામે રચેલી મજબૂત વાડ થોડી ઢીલી કરી અને જે દેશો સાથે સંધિ થાય તેમને તેમના નાગરિકોના નાણાની માહિતી મર્યાદિત સ્વરૂપે આપવા માંડી તે પછી નાગરિકોના ભંડોળોની આ માહિતીઓ ઉપલબ્ધ થવા માંડી છે. આ બેંકો દ્વારા સ્વિસ નેશનલ બેંક (SNB) ને જણાવવામાં આવેલા સત્તાવાર આંકડા છે અને સ્વિટ્ઝર્લૅન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલા બહુચર્ચિત કાળા નાણાંનું  પ્રમાણ દર્શાવતા નથી.

દેખીતી રીતે સ્વીસ બેંકોમાં મૂકાયેલા બધા જ નાણા કંઇ કાળા નાણા હોતા નથી. જો કે આ આંકડાઓમાં ભારતીયો, NRI અથવા અન્ય લોકો દ્વારા સ્વિસ બેંકોમાં ત્રીજા દેશની સંસ્થાઓના નામે રાખવામાં આવેલા નાણાંનો પણ  સમાવેશ થતો નથી.  સ્વિસ સત્તાવાળાઓએ હંમેશા કહ્યું છે કે સ્વિટ્ઝર્લૅન્ડમાં ભારતીય રહેવાસીઓ દ્વારા રાખવામાં આવેલી સંપત્તિને ‘કાળા નાણાં’ તરીકે ગણી શકાય નહીં અને તેઓ કરચોરી  અને કરચોરી સામેની લડાઈમાં ભારતને સક્રિયપણે ટેકો આપે છે. જો કે સ્વિસ સત્તાવાળાઓ ભલે આમ કહેતા હોય પરંતુ ફકત ભારતીયોના જ નહીં પણ દુનિયાભરના દેશોના ધનવાનોના કાળા નાણા અહીં મૂકાય જ છે, ભલે ત્યાં મૂકાયેલા બધા નાણા કાળા નાણા નહીં હોય.

સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારત વચ્ચે કર બાબતોમાં માહિતીનું આપમેળે વિનિમય 2018થી અમલમાં છે. આ માળખા હેઠળ, 2018 થી સ્વિસ નાણાકીય સંસ્થાઓમાં ખાતા  ધરાવતા તમામ ભારતીય રહેવાસીઓની વિગતવાર નાણાકીય માહિતી, સપ્ટેમ્બર 2019 માં ભારતીય કર અધિકારીઓને પ્રથમ વખત પૂરી પાડવામાં આવી હતી અને  દર વર્ષે તેનું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત, સ્વિટ્ઝર્લૅન્ડ પ્રથમ દ્રષ્ટિએ પુરાવા રજૂ કર્યા પછી નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલા શંકાસ્પદ ભારતીયોના ખાતાઓ વિશેની વિગતો સક્રિયપણે શેર કરી  રહ્યું છે.

અત્યાર સુધીમાં સેંકડો કેસોમાં માહિતીનું આ પ્રકારનું વિનિમય થયું છે. સંપત્તિની દ્રષ્ટિએ, 2023 ના  અંતમાં ભારતીય ગ્રાહકોનું પ્રમાણ 1.59 બિલિયન CHF હતું, જે પાછલા વર્ષ કરતા લગભગ 9 ટકા વધારે છે. સ્વિસ બેંકોમાં વિદેશી ગ્રાહકોના નાણાં માટે યુકે 222 અબજ CHF સાથે ચાર્ટમાં ટોચ પર છે, જ્યારે બીજા સ્થાને અમેરિકા (89 અબજ CHF) અને ત્રીજા સ્થાને વેસ્ટ  ઇન્ડીઝ (68 અબજ CHF) છે. ભારત 48મા સ્થાને છે, જે 2023 ના અંતમાં 67મા સ્થાને હતું, પરંતુ 2022 ના અંતમાં 46મા સ્થાને હતું. જો કે આ બધા નાણા ધનવાનોના છે, અને ગરીબ અને મધ્યમ વગને તેનાથી કોઇ લાભ થવાનો નથી.

Most Popular

To Top