નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમના (Indian Football Team) સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છૈત્રીએ (Sunil Chhetri) આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) ક્વોલિફાયર બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને હંમેશ માટે અલવિદા કહી દેશે. 39 વર્ષીય છેત્રીએ તેમની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 145 મેચ રમી અને 93 ગોલ કર્યા હતા.
સુનીલ છેત્રી પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 6 જૂને કુવૈત સામે રમશે. સુનીલ છેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા એક વીડિયો દ્વારા પોતાના ચાહકોને આ માહિતી આપી હતી. વીડિયોમાં તેણે પોતાની જર્ની વિશે વાત કરી અને કહ્યું કે હવે નવા લોકોને તક આપવાનો સમય આવી ગયો છે. 39 વર્ષના સુનીલ છેત્રીએ ભારત તરફથી રમતા ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
સુનીલ છેત્રીએ નિવૃત્તિ જાહેર કરી
સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલનો મહત્વનો ભાગ રહ્યા છે. તેમણે દેશ માટે 150 મેચમાં 94 ગોલ કર્યા છે. તેઓ હાલમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારની યાદીમાં ચોથા સ્થાને છે. નિવૃત્તિની ઘોષણા કરતાં છેત્રીએ પોતાની જર્નીને યાદ કરતાં કહ્યું કે મને હજુ પણ યાદ છે જ્યારે મેં મારી પ્રથમ મેચ રમી હતી. મારી પ્રથમ મેચ, મારો પ્રથમ ગોલ, આ મારી જર્નીની સૌથી યાદગાર ક્ષણ હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દેશ માટે આટલી બધી મેચ રમી શકીશ. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેમણે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે સૌથી પહેલા પોતાના માતા-પિતા અને પત્નીને આ વિશે જણાવ્યું.
છેત્રીએ પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી
સુનીલ છેત્રીએ 12 જૂન 2005ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચમાં જ છેત્રીએ પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ પણ નોંધાવ્યો હતો. છેત્રીએ પોતાની શાનદાર કારકિર્દીમાં છ વખત AIFF પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતીય ટીમે બે મહત્વની મેચ રમવાની છે
કુવૈત અને કતાર સામે ફિફા વર્લ્ડ કપ 2026 અને AFC એશિયન કપ 2027 માટે શરૂઆતના સંયુક્ત ક્વોલિફિકેશનના બીજા તબક્કાની મેચો માટે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમ 6 જૂને કોલકાતામાં કુવૈત સામે ગ્રુપ Aની છેલ્લી બે મેચ રમ્યા બાદ 11 જૂને દોહામાં કતારનો સામનો કરશે.
હાલ ભારત ચાર મેચમાં ચાર પોઈન્ટ સાથે ગ્રુપ ટેબલમાં બીજા ક્રમે છે. ગ્રુપમાં ટોચની બે ટીમો FIFA વર્લ્ડ કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થશે અને AFC એશિયન કપ સાઉદી અરેબિયા 2027માં તેમનું સ્થાન બુક કરશે.