મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વધતા યુદ્ધના તણાવ વચ્ચે વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સક્રિય બની છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીયો માટે મહત્વપૂર્ણ સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે અને તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે. દૂતાવાસે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ ઘટના સ્થળો પર જઈને ફોટો કે વીડિયો બનાવવા નહીં. આવી સંવેદનશીલ જગ્યાઓના ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાથી કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને પ્રતિબંધિત વિસ્તારો અને એરપોર્ટની અંદર ફોટોગ્રાફી અથવા વિડિયો રેકોર્ડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે.
દૂતાવાસે સલાહ આપી છે કે જો સુરક્ષા એલર્ટ અથવા સાયરન સંભળાય તો તરત જ નજીકના સુરક્ષિત સ્થળે જવું અને એલર્ટ સમાપ્ત થાય ત્યાં સુધી બહાર ન નીકળવું. કોઈપણ સંજોગોમાં વિસ્ફોટ, મિસાઈલ હુમલા અથવા નુકસાનના દૃશ્યો કેદ કરવાનો પ્રયત્ન ન કરવો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવું. જો આસપાસ કોઈ શંકાસ્પદ પદાર્થ, વિસ્ફોટક સામગ્રી કે અજાણી વસ્તુ જોવા મળે તો તરત જ સ્થાનિક સત્તાધિકારીઓને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. આવી જગ્યાઓથી દૂર રહેવું અને શંકાસ્પદ વસ્તુને અડવું નહીં તેવી પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ 9-10 દિવસથી અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર સતત ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યા છે. તેના જવાબમાં ઈરાન પણ પડોશી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી રહ્યું છે. યુદ્ધના કારણે સમગ્ર મિડલ ઈસ્ટ વિસ્તારમાં તણાવ અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. યુએઈ, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીને દાવો કર્યો છે કે તેમણે ઈરાનના કેટલાક હુમલાઓને અટકાવ્યા છે. બીજી તરફ, હોર્મુઝ જળમાર્ગ બંધ થવાને કારણે તે વિસ્તારમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર પણ અસર પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે યુએઈમાં રહેતા તથા ત્યાંથી મુસાફરી કરતા તમામ ભારતીયોને સ્થાનિક કાયદા અને સુરક્ષા સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરી છે.
