ભારતીય ટેસ્ટ ટીમનો મજબૂત આધાર ગણાતા ચેતેશ્વર પૂજારાએ રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા પૂજારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાની કારકિર્દીનો અંત જાહેર કર્યો.
પૂજારાને ઘણીવાર “ભારતીય ક્રિકેટની નવી દિવાલ” તરીકે ઓળખવામાં આવ્યા હતા. કારણ કે રાહુલ દ્રવિડ પછી ટીમના નંબર-3 સ્થાન પર તેઓ જમ્યા હતા. ટેસ્ટ ફોર્મેટમાં તેમની યોગદાનની સરખામણી કોઈ બીજા સાથે કરવી મુશ્કેલ છે.
પૂજારાએ ભારત માટે કુલ 103 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમણે 43.60ની સરેરાશ સાથે 7195 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી 19 સદી અને 35 હાફ સદી નોંધાઈ હતી. વનડેમાં તેમને વધારે તક મળી ન હતી માત્ર પાંચ મેચમાં તેમણે 51 રન બનાવ્યા હતા.
પૂજારાએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓવલ ખાતે રમી હતી.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પૂજારાએ પોતાના ભાવ વ્યક્ત કરતા લખ્યું:
“રાજકોટનો એક નાનો છોકરો પોતાના માતા-પિતા સાથે તારાઓ સુધી પહોંચવાનું સ્વપ્ન જોતો હતો. ભારતીય ટીમ માટે રમવાનું, રાષ્ટ્રગીત ગાવું અને દેશનું પ્રતિનિધિત્વ કરવું. આ બધું મારી જિંદગીનું સૌથી મોટું ગૌરવ રહ્યું. આ સફરે મને અમૂલ્ય અનુભવો, પ્રેમ, તકો અને યાદગાર ક્ષણો આપી છે.”
તેમણે વધુમાં કહ્યું કે “ભારતીય જર્સી પહેરીને મેદાન પર ઊતરવાનું અનુભવવું અનોખું હતું. પરંતુ જેમ કહેવાય છે તેમ દરેક સારી વસ્તુનો એક અંત આવે છે. ખૂબ આભાર અને કૃતજ્ઞતા સાથે હું ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું.”
પૂજારાની નિવૃત્તિ સાથે ભારતીય ક્રિકેટ એક એવા ખેલાડીથી વંચિત બનશે જેમણે પોતાની શાંત સ્વભાવ અને અડગ ટેકનિકથી અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને બચાવી હતી. તેમના રન બનાવવાની કળા, ધીરજ અને ટીમ માટે પોતાનું સર્વસ્વ આપવાની ભાવના તેમને ચાહકોના હૃદયમાં હંમેશાં જીવંત રાખશે.