એક સમય હતો કે જ્યારે ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજ કર્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવા માટે ભારતમાં આવી હતી અને બાદમાં તેણે ભારતને પોતાનું ગુલામ બનાવી દીધું હતું. ઈંગ્લેન્ડની સરકાર દ્વારા આ કંપનીનો વહીવટ કરવામાં આવતો હતો અને આ કંપની દ્વારા ઈંગ્લેન્ડે ભારત પર સદીઓ સુધી રાજ કર્યું. જો કે, તે સમયની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને હાલમાં એક મૂળ ભારતીય એ જ ખરીદી લીધી છે પરંતુ હવે આ જ ઈતિહાસ ઉંધી રીતે ફરી વર્તમાન બની ગયો છે.
આજે વિશ્વના અનેક દેશોમાં મોટાભાગની મલ્ટિનેશનલ કંપનીઓમાં મૂળ ભારતીયો જ સીઈઓ છે. આ મૂળ ભારતીયો દ્વારા જ કંપનીઓ ચલાવાઈ રહી છે. એક સમયે ઈંગ્લેન્ડની કંપની ભારત પર રાજ કરતી હતી. હવે ભારતીયો મોટાભાગના વિશ્વ પર રાજ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ સ્થિતિ ચાલી રહી છે. તાજેતરમાં વધુ એક મહિલા આવી જ એક મલ્ટિનેશનલ કંપનીની સીઈઓ બની ત્યારે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. ભારતીયો બેસ્ટ સીઈઓ સાબિત થઈ રહ્યા છે.
વાત એમ છે કે, તાજેતરમાં ગ્લોબલ એડવર્ટાઈઝિંગ એન્ડ પબ્લિક રિલેશન એજન્સી ઓગિલ્વીએ મૂળ ભારતમાં જન્મેલી દેવિકા બુલચંદાણીને પોતાની ગ્લોબલ ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પસંદ કરી. બુલચંદાણી વર્ષના અંત સુધી સીનિયર એડવાઈઝર તરીકે કામ કરશે. હાલમાં બુલચંદાણી ઓગિલ્વી નોર્થ અમેરિકાના ગ્લોબલ પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકે કામ કરી રહી છે. બુલચંદાણીને જે જવાબદારી સોંપવામાં આવી છે તે પ્રમાણે તે કંપનીની 93 દેશમાં આવેલી 131 જેટલી ઓફિસોના કામનું મોનિટરિંગ કરશે. ક્રિએટિવિટી માટે જાણીતી આ કંપનીમાં દેવિકાને એટલા માટે પ્રમોટ કરવામાં આવી છે કે તે ક્રિએટિવિટીની ચેમ્પિયન છે. બુલચંદાણી મૂળ ભારતમાં અમૃતસરમાં જન્મ્યા હતા. જો કે બુલચંદાણી એક જ એવી વ્યક્તિ નથી કે જે મોટી કંપનીની સીઈઓ હોય.
હાલમાં માઈક્રોસોફ્ટથી શરૂ કરીને છેક ગૂગલમાં પણ મૂળ ભારતીયો સીઈઓ છે. હજુ થોડા સમય પહેલા જ કોફીના ક્ષેત્રની દિગ્ગજ મનાતી કંપની સ્ટારબક્સએ પણ મૂળ ભારતીય લક્ષ્મણ નરસિમ્હનને પોતાના ચિફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા હતા. માઈક્રોસોફ્ટમાં મૂળ ભારતીય એવા સત્યા નડેલા ઘણા સમયથી સીઈઓ છે. એડોબના કંપનીમાં પણ શાંતનુ નારાયણ સીઈઓ તરીકે છે. અલ્ફાબેટ કંપનીમાં સીઈઓ તરીકે સુંદર પિચાઈ છે. ટ્વિટરના હેડ તરીકે પરાગ અગ્રવાલ છે. જ્યારે ચેનલમાં લીના નાયર અને આઈબીએમ કંપનીના સીઈઓ તરીકે અરવિંદ કૃષ્ણા કામ કરી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે ભારતીય કંપનીઓમાં સીઈઓ તરીકે વિદેશીઓની પસંદગી કરવામાં આવતી હતી. કારણ કે જે તે ક્ષેત્રમાં વિદેશીઓનું ડેડિકેશન ભારે જોવા મળતું હતું પરંતું છેલ્લા કેટલાક વર્ષોથી સિનારિયો બદલાઈ ગયો છે. હવે જે તે ક્ષેત્રના નિષ્ણાંતોમાં ભારતીયો વધી રહ્યા છે.
આજે આઈટી ક્ષેત્રે ભારતીયોનું જ વર્ચસ્વ છે. મોટાપાયે ભારતનું યુવાધન વિદેશમાં જઈને ભણી રહ્યું છે. આ કારણે પણ આ યુવાનો જે તે ક્ષેત્રમાં ભારે પાવરધાં બની રહ્યા છે. ભલે વિદેશી કંપની હોય, પરંતુ તેને ભારતીય કર્મચારીઓ વિના ચાલતું નથી. ભારતનું માર્કેટ ખૂબ મોટું છે અને તેને કવર કરવા માટે ભારતીયોની જ જરૂર પડે તેમ છે. ભારતીયોને આ મલ્ટિનેશનલ કંપનીઓનો અનુભવ ભારે ફળદાયી નિવડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે મોટી મલ્ટિનેશનલ કંપનીઓમાં ભારતીયોની બોલબાલા વધી રહી છે તે જોતાં એ સમય દૂર નથી કે જ્યારે ભારતીયો અંગ્રેજોની જેમ આખી દુનિયા પર રાજ કરતા હશે.