National

સૈન્યના અધિકારીઓ સામે જાસુસીનો આરોપ: WhatsApp ગ્રુપ પર ચાલતું હતું નેટવર્ક

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીએ વોટ્સએપ(WhatsApp) દ્વારા થઇ રહેલી જાસૂસી(Spying)નો પર્દાફાશ કર્યો છે. સૈન્યના અધિકારીઓ દ્વારા જ સુરક્ષા ભંગ કર્યાની આશંકા વ્યક્ત કરી છે. આ સમગ્ર ઘટનાના તાર પાડોશી દેશો સાથે જોડાયેલા હોવાની આશંકા છે. જો કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તાત્કાલીક તપાસ કરીને રિપોર્ટ આપવા જણાવાયું છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓએ કેટલાક લશ્કરી અધિકારીઓ દ્વારા સાયબર સુરક્ષા ભંગ કરાયાનો ખુલાસો થયો છે. પડોશી દેશ દ્વારા જાસૂસી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોવાની શંકા છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક WhatsApp ગ્રુપ પર સાયબર સુરક્ષા ભંગની જાણ કરવામાં આવી છે. તાત્કાલીક તપાસ કરીને રિપોર્ટ આપવા જણાવાયું છે.

તમામ દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે
જાસૂસીના આરોપોમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહીના મુદ્દે સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે સૈન્યનાં અધિકારીઓની સંડોવણીની આશંકા ધરાવતા જાસૂસીના કેસમાં તપાસ ચાલી રહી છે. આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે તેઓ ઓફિશિયલ સિક્રેટ એક્ટના દાયરામાં આવે છે. દોષિત તમામ અધિકારીઓ સામે શક્ય એટલી કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાની સંવેદનશીલતા અને તપાસને ધ્યાનમાં રાખીને કોઈ અટકળો ન કરવી જોઈએ. આ કેસની તપાસને અસર કરી શકે છે.

શંકાસ્પદ પાકિસ્તાની અને ચીની જાસૂસો સોશિયલ મીડિયા સક્રિય
ઉલ્લેખનીય છે કે હાલમાં જ શંકાસ્પદ પાકિસ્તાની અને ચીની જાસૂસો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આપણા સંરક્ષણ કર્મચારીઓ સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સેના અને તેની ગતિવિધિઓ વિશે માહિતી એકઠી કરવા માટે સંવેદનશીલ માહિતી એકત્ર કરવાના હેતુથી આ પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ જાસૂસોના મોટા ભાગના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, પરંતુ કેટલાક અધિકારીઓ તેમની જાળમાં ફસાઈ ગયા હતા અને તેઓ તેમની પાસેથી કેટલીક માહિતી એકત્રિત કરવામાં સફળ રહ્યા હતા.

Most Popular

To Top