National

ભારતીય સૈન્ય ડ્રોન જોખમોનો સામનો કરવા ક્ષમતા વિકસાવી રહ્યું છે: ચીફ જનરલ

નવી દિલ્હી: ડ્રોન (Drone)ની સરળ ઉપલબ્ધતાએ સુરક્ષા પડકારો (safety challenge)ની જટિલતામાં વધારો કર્યો છે અને ભારતીય સૈન્ય (Indian army) જોખમોનો અસરકારક રીતે સામનો કરવા માટે ક્ષમતા વિકસાવી રહ્યું છે. એમ સૈન્ય ચીફ જનરલ (Chief general) એમ એમ નરવાણે ગુરુવારે જણાવ્યું હતું.

એક થિંક-ટેન્ક પર સંબોધનમાં જનરલ નરવાણે કહ્યું કે, સુરક્ષા મથકો પડકારો અંગે સારી રીતે જાગૃત છે અને તેમની સાથે વ્યવહાર કરવા માટે કેટલાક પગલાં પહેલાથી જ લેવામાં આવ્યા છે. જનરલ નરવાણેને જમ્મુ ફોર્સ સ્ટેશન પર તાજેતરમાં થયેલા ડ્રોન એટેક વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, અમે જોખમોનો સામનો કરવા માટેની ક્ષમતા વિકસાવી રહ્યા છીએ, જે રાજ્ય દ્વારા પ્રાયોજિત અથવા સ્વયં રાજ્યો દ્વારા હોઈ શકે છે. અમે ગતિશીલ અને બિન-ગતિશીલ બંને ક્ષેત્રો માટે ડ્રોન એટેકના જોખમનો સામનો કરવાની ક્ષમતા વિકસાવી રહ્યા છીએ.

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ લાઇનની પરિસ્થિતિ અંગે આર્મી ચીફે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થયા બાદ એલઓસી પર કોઈ ઘુસણખોરી થઈ નથી. ઘુસણખોરી થતી ન હોવાથી કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા ઓછી છે અને તેથી આતંકવાદ સંબંધિત ઘટનાઓની સંખ્યા પણ નીચે આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હંમેશાં એવા તત્વો હશે જે શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં તોડફોડ કરવાનો પ્રયાસ કરશે, આપણે તેમનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, અમારી પાસે જમ્મુ-કાશ્મીરમાં મજબૂત આતંકવાદ અને ઘૂસણખોરી વિરોધી ગ્રીડ છે અને શાંતિ અને સુલેહ સુનિશ્ચિત કરવા માટે અમારું ઑપરેશન ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ એરપોર્ટમાં આવેલા ભારતીય હવાઇ દળના મથક પર રવિવારે વહેલી સવારે ડ્રોન વડે બે હુમલા થયા હતા જેમાં ઇમારતની છતને નુકસાન થયું હતું અને હવાઇ દળના બે કર્મચારીઓને ઇજા થઇ હતી. હુમલા બાદ ડ્રોન્સ અદ્રશ્ય થઇ ગયા હતા. તેના પછી જમ્મુમાં જ એક મિલિટરી સ્ટેશન નજીક પણ બે ડ્રોન દેખાયા હતા, જો કે ત્યાંના સંત્રીઓએ ભારે ગોળીબાર કર્યા પછી આ બંને ડ્રોન ભાગી છૂટ્યા હતા. તેના પછી આજે પણ જમ્મુના સુંજવાન લશ્કરી મથક નજીક ડ્રોન દેખાયું હતું અને આ સતત ત્રીજો દિવસ છે કે જમ્મુમાં આ પાયલટ વગર ઉડતા અજાણ્યા વાહનોની હાજરી જણાઇ છે અને તેને કારણે દેશના સુરક્ષા મથકની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઇ છે.

દરમ્યાન, જમ્મુ-કાશમીર પોલીસે હવાઇ દળના મથક પર રવિવારે વહેલી સવારે ડ્રોનથી થયેલા હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદી જૂથ લશ્કર તોઇબાનો હાથ હોવાનું જણાવ્યું છે.

Most Popular

To Top