PPP મોડલ પર AI સંસ્થા ઉભી કરનાર ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય
ગુજરાત રાજ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence – AI) ક્ષેત્રે એક ઐતિહાસિક કૂદકો ભરવા જઈ રહ્યું છે. રાજ્યની પ્રતિષ્ઠિત GIFT City ખાતે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે., જે 1 જાન્યુઆરી 2026થી કાર્યરત બનશે.
IAIROને સ્પેશિયલ પર્પઝ વિહિકલ (SPV) તરીકે વિકસાવવામાં આવશે અને તેની રચના કંપની અધિનિયમ, 2013ની કલમ 8 હેઠળ નોન-પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે ₹300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે.આ સંસ્થામાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે અને વર્ષ 2025-26 માટે ₹25 કરોડનું યોગદાન આપશે. IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા સહિત દેશની 23 જેટલી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતની આ પહેલ કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના IndiaAI મિશન તેમજ રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના AI એક્શન પ્લાનના ઉદ્દેશ્યો સાથે સુસંગત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વ્યાપક ઉપયોગ દ્વારા આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય સેવાઓમાં પરિવર્તનકારી સુધારાઓ લાવી લાખો લોકોના જીવનને વધુ સરળ અને સુખાકારી બનાવવા રાજ્ય સરકારે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં AI ટાસ્કફોર્સની રચના પણ કરી છે.
આ દિશામાં આગળ વધતાં, IAIROને AI માટે મલ્ટી-ડિસિપ્લિનરી રિસર્ચ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. IAIROની મુખ્ય પ્રવૃત્તિઓમાં અદ્યતન AI રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, AI આધારિત પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનો વિકાસ, તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચે ગાઢ સહયોગનો સમાવેશ થશે. સાથે સાથે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ક્રિએશન, કેપેસિટી બિલ્ડિંગ અને પોલિસી બેઝ્ડ રિસર્ચ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ કાર્ય કરશે, જેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI ક્લાઉડ જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સનું સંકલન કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતની આ પહેલ AI ક્ષેત્રમાં ભવિષ્ય માટે તૈયાર કુશળ માનવ સંસાધન તૈયાર કરશે, ભારતને AI સેક્ટરમાં ગ્લોબલ કોમ્પિટિટિવ લીડર તરીકે પ્રસ્થાપિત કરવામાં સહાયક બનશે અને ઇમર્જિંગ ટેકનોલોજી તથા ઇનોવેશનના હબ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત કરશે.