રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન આજે પીએમ નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રશિયન નાગરિકોને હવે ભારત 30 દિવસ માટે માન્ય મફત ઇ-ટૂરિસ્ટ વિઝા આપશે. આ જાહેરાત બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ગઈ કાલે ગુરુવારે દિલ્હી પહોંચતા પુતિનનું પીએમ મોદી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આજે દિલ્હીમાં યોજાયેલી 23મી ભારત–રશિયા સમિટમાં બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, ઊર્જા અને આર્થિક કરારો પર ચર્ચા થઈ. સમિટ બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી.
પ્રવાસી વિઝા પર PM મોદીએ શું કહ્યું?
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે “આ વર્ષે ઓક્ટોબરમાં કાલ્મીકિયામાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મંચમાં લાખો ભક્તોએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના આશીર્વાદ મેળવ્યા હતા. મને ખુશી છે કે અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે 30 દિવસનો મફત ઇ-ટૂરિસ્ટ વિઝા અને 30 દિવસનો ગ્રુપ ટૂરિસ્ટ વિઝા રજૂ કરીશું”
ફ્રી વિઝા જાહેરાતથી પ્રવાસનમાં વધારો
પીએમ મોદીની આ જાહેરાત પછી રશિયન નાગરિકો માટે મફત ઇ-ટૂરિસ્ટ વિઝા શરૂ થવાથી ભારત–રશિયા વચ્ચે ટૂરિઝમમાં મોટો વધારો થવાની આશા છે. ભારતીય હોટેલ, ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગને સીધી અસર થશે અને લોકો વચ્ચે સાંસ્કૃતિક આપ-લે પણ વધશે.
આર્થિક સંબંધોને નવી દિશા
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયા યુરેશિયન આર્થિક સંઘ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વહેલી તકે પૂર્ણ કરવા પર કામ કરી રહ્યા છે. 2030 સુધીના આર્થિક સહયોગના કાર્યક્રમ પર પણ બંને દેશોએ સંમતિ આપી છે. આ કરારોના કારણે વેપાર વધશે, રોકાણ સરળ થશે અને બંને દેશો માટે નવી તક ઊભી થશે.
આતંકવાદ સામે મજબૂત એકતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે “ભારત અને રશિયા લાંબા સમયથી આતંકવાદ સામે ખભે ખભા મિલાવીને ઉભા રહ્યા છે. પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલો હોય કે ક્રોકસ સિટી હોલ પરનો કાયરતાપૂર્ણ હુમલો બંને દેશો એકબીજા સાથે ઊભા રહ્યા છે. ભારત અને રશિયા સંયુક્ત રાષ્ટ્ર, G20, BRICS અને SCO જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર મજબૂત સહયોગ કરતા આવ્યા છે અને આગલા સમયગાળામાં પણ આ ભાગીદારી ચાલુ રહેશે.”