હાલમાં IIT મદ્રાસમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર કડક વલણ અપનાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતને પોતાના નાગરિકોની સુરક્ષા માટે દરેક પ્રકારના પગલા લેવાનો પૂર્ણ અધિકાર છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ દેશ સતત આતંકવાદને પ્રોત્સાહન આપશે તો ભારત તેની સામે ચૂપ બેસી નહીં રહે.
જયશંકરે કહ્યું કે ભારત પોતાની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો અંગે કોઈપણ બાહ્ય દબાણ અથવા સલાહ સ્વીકારવાનું નથી. “કેવી રીતે અને ક્યારે પ્રતિભાવ આપવો, તે ભારત પોતે નક્કી કરશે. કોઈ પણ દેશ આપણને આ અંગે ઉપદેશ આપી શકે નહીં”. તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદ સામે ભારત જે પગલાં લેશે, તે સંપૂર્ણપણે તેની પોતાની જરૂરિયાતો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
પાકિસ્તાનનું નામ લીધા વિના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત એવા પડોશીનો સામનો કરી રહ્યું છે. જ્યાં આતંકવાદને રાજ્ય નીતિના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમણે કહ્યું કે ઘણા દેશો મુશ્કેલ પડોશીઓ ધરાવે છે પરંતુ ભારતની સ્થિતિ અલગ અને વધુ ગંભીર છે.
જયશંકરે આતંકવાદ અને દ્વિપક્ષીય કરારો વચ્ચેના સંબંધ પર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે પાણી વહેંચણી જેવા કરારો પરસ્પર વિશ્વાસ અને સારા પડોશી સંબંધો પર આધારિત હોય છે. તમે એક તરફ આતંકવાદ ચાલુ રાખો અને બીજી તરફ સારા સંબંધોની અપેક્ષા રાખો આ શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલામાં અનેક પ્રવાસીઓના મોત બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં ફરી તણાવ વધ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં જયશંકરના નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.