Editorial

અરૂણાચલ બાબતે ભારતે ચીન સામે સાવધાન રહેવું પડશે

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી તીવ્ર શત્રુતાનો હાલ અંત આવેલો જણાય છે ત્યારે હાલ બહાર આવેલો એક અમેરિકી અહેવાલ ચિંતા જન્માવે તેવો છે. અહેવાલના સંકેતો મુજબ ભારત અને ચીન પૂર્વી  લદ્દાખમાં અંકુશ હરોળ પર વર્ષોથી ચાલી રહેલા સરહદી અવરોધનો ભલે અંત લાવી ચૂક્યા હોય, પરંતુ આગામી વર્ષોમાં બીજો એક વિવાદ શરૂ થઈ શકે છે.

તાજેતરના અમેરિકી લશ્કરી વડામથક પેન્ટાગોનના અહેવાલ મુજબ,  ચીને તાઇવાનની સાથે તેના મુખ્ય હિતોમાં અરુણાચલ પ્રદેશ પરના પોતાના દાવાને પણ સામેલ કર્યો છે.  આમ તો જો કે ચીન અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો લાંબા સમયથી કરી જ રહ્યું છે તે જાણીતી બાબત છે, પરંતુ તાઇવાનની જેમ જ અરૂણાચલ પ્રદેશને પણ તેણે પોતાના મુખ્ય હિતોમાં શામેલ કર્યું હોય તો તે વધુ ગંભીર બાબત છે. આ બાબત સૂચવે છે કે આ ઉત્તરપૂર્વીય રાજ્ય નવી દિલ્હી-બેઇજિંગ સંબંધોમાં મુખ્ય તનાવ બિંદુ તરીકે ઉભરી શકે છે. અરૂણાચલ પ્રદેશ અંગે ભારતે હંમેશા એવું વલણ જાળવી રાખ્યું છે કે અરુણાચલ હંમેશા દેશનો અભિન્ન ભાગ હતો, છે  અને રહેશે.

ગયા વર્ષે, ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં LAC પર સૈનિકોને પાછા ખેંચવા માટે એક કરાર પર પહોંચ્યા હતા. જો કે, મહિનાઓ સુધી શાંતિ રહ્યા પછી, તાજેતરમાં અરુણાચલ પ્રદેશ પર તણાવ ઉભો થયો છે. ગયા મહિને,  લંડનથી જાપાન જઈ રહેલી પ્રેમા થોંગડોક નામની એક ભારતીય નાગરિકને શાંઘાઈમાં તેના રોકાણ દરમિયાન 18 કલાક માટે અટકાયતમાં રાખવામાં આવી હતી. થોંગડોકે કહ્યું કે ચીની અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેનો  પાસપોર્ટ અમાન્ય છે કારણ કે તેમાં તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ દર્શાવવામાં આવ્યું હતું. .

બેઇજિંગ અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવે છે અને આ પ્રદેશને તે દક્ષિણ તિબેટ અથવા ઝાંગનાન કહે છે. ચીન 1914માં બ્રિટિશરો દ્વારા દોરવામાં આવેલી મેકમોહન રેખાને સ્વીકારતું નથી.  તે સરહદ સીમાંકન પર બ્રિટન અને તત્કાલીન સ્વતંત્ર તિબેટ દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હતી. સમગ્ર અરુણાચલમાંથી, તવાંગ ચીન માટે ખાસ મહત્વનું છે. હકીકતમાં, અગાઉ, ચીને ફક્ત તવાંગ પર દાવો કર્યો હતો. બાદમાં, તેણે આ સમગ્ર ઇશાન ભારતીય રાજ્ય સુધી દાવો વિસ્તાર્યો. ત્યાર બાદ તો ચીને અરૂણાચલના કેટલાક પર્વતો, નદીઓ વગેરેને ચીની નામો પણ આપ્યા છે જે ભારત પર દબાણ લાવવા માટેનું દેખીતું પગલું છે.

એક ભૂતપૂર્વ રાજદ્વારીએ આ અંગે જણાવ્યું છે કે અમેરિકા દ્વારા અરુણાચલ પ્રદેશમાં ચીનની રણનીતિની નોંધ લેવાઇ તે મહત્વપૂર્ણ બાબત છે. ભૂતકાળમાં, અમેરિકા લદ્દાખ સંબંધિત ઘટનાઓની વિગતવાર માહિતી આપવામાં ખૂબ જ સક્રિય રહ્યું છે, પરંતુ અરુણાચલ પ્રદેશ પર ચૂપ રહ્યું છે. હવે જ્યારે તેણે આ પગલાંઓની નોંધ લીધી છે, ત્યારે તે દર્શાવે છે કે અમેરિકા  અરુણાચલ પ્રદેશમાં ચીન દ્વારા કરવામાં આવતી યુક્તિઓથી વધુ સારી રીતે વાકેફ છે એમ મહેશ સચદેવ નામના આ નિષ્ણાતે હાલમાં કહ્યું હતું. અમેરિકી રિપોર્ટમાં ભારત માટે બીજી ચેતવણી હતી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે LAC પર તણાવ ઓછો કરવો એ ચીનની લાંબા ગાળાની બેવડી વ્યૂહરચનાનો ભાગ હતો – સરહદ પર વ્યૂહાત્મક શાંતિને તેના  સર્વકાલીન મિત્ર પાકિસ્તાન દ્વારા સતત લશ્કરી દબાણ સાથે જોડવા માગે છે.

અહેવાલે એમ પણ કહ્યું હતું કે LAC પર શાંતિ જાળવીને, ચીન ભારત સાથેના સંબંધોને સ્થિર કરી રહ્યું છે અને દિલ્હીને વોશિંગ્ટનની નજીક જતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલની આ વાત હસી કાઢવા જેવી નથી. આ અહેવાલને ચીને જો કે ફગાવી દીધો છે અને તેના પર પ્રતિક્રિયા આપતા એ મુજબ કહ્યું છે કે તે ભારત અને ચીનના સુધરેલા સંબંધોને બગાડવા માટેનો અમેરિકી પ્રયાસ છે. જો કે ચીન ભલે આમ કહેતું હોય પરંતુ અરૂણાચલ પ્રદેશ પર તેના લાંબા સમયના દાવાને જોતા, ભારતે સાવધાન રહેવાની તો જરૂર છે જ.

Most Popular

To Top