અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે તો તેને “ભારે ટેરિફ” ચૂકવવા પડશે. ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા રશિયા સામે કડક વલણ અપનાવી રહ્યું છે અને તેલની ખરીદી દ્વારા રશિયાને મળતી આવકને યુક્રેન યુદ્ધનું મુખ્ય સાધન ગણાવી રહ્યું છે.
ટ્રમ્પે એર ફોર્સ વન પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વ્યક્તિગત રીતે ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલની આયાત બંધ કરશે. તેમણે કહ્યું “મોદીજી મને કહ્યું હતું કે ‘હું રશિયન તેલનો કોઈ વ્યવહાર નહીં કરું.’ પરંતુ જો તેઓ આમ કરશે, તો તેમને ભારે ટેરિફ ચૂકવવો પડશે.”
ટ્રમ્પના આ નિવેદનથી ફરી એકવાર ભારત-અમેરિકા સંબંધોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકા પહેલાથી જ રશિયન તેલ ખરીદનારા દેશો પર દબાણ વધારી રહ્યું છે, કારણ કે તેનું માનવું છે કે આ નાણાં મોસ્કોના યુદ્ધને ટેકો આપે છે.
બીજી તરફ, ભારતે ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા જયસ્વાલે જણાવ્યું કે વડા પ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાતચીત થયાની માહિતી નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે “અમે ઊર્જા સુરક્ષા અને સ્થિર ભાવ એ બે મુખ્ય ધ્યેય રાખીને નિર્ણય લઈએ છીએ. રશિયા સાથેનો વેપાર એ આપણા રાષ્ટ્રીય હિત પર આધારિત છે.”
MEAએ વધુમાં જણાવ્યું કે ભારત ઊર્જા સહકારના વિવિધ માર્ગો પર ચર્ચા કરી રહ્યું છે પરંતુ ટ્રમ્પના દાવામાં કોઈ સત્ય નથી.
જોકે આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય. છેલ્લા વખતે પણ તેમણે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. જેના કારણે કુલ ટેરિફ દર 50 ટકા સુધી પહોંચી ગયો હતો. ભારતે તેને “અન્યાયી પગલું” ગણાવ્યું હતું. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.
હાલમાં આ નિવેદનને લઈને રાજકીય ચર્ચા ગરમાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. વિશ્લેષકોના મતે જો અમેરિકા ખરેખર આ પ્રકારનો કડક ટેરિફ અમલમાં મૂકે તો ભારત-અમેરિકા વેપાર સંબંધો પર તેનું ગંભીર પરિણામ પડી શકે છે.