ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક નામના જંગલમાં નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ છોડવામાં આવ્યા હતા. પ્રથમ ચિત્તો ખુદ વડાપ્રધાન મોદીએ છોડ્યો હતો. આમ પણ તેઓ ચિત્તાઓને ભારતમાં ફરી વસાવવા બાબતે ખૂબ ઉત્સાહી હતા. દેશમાંથી ચિત્તાઓ છેક ૧૯પ૦ની આસપાસના સમયમાં નામશેષ થઇ ગયા હતા. તેમને બહારથી લાવીને દેશમાં ફરી વસાવવા માટે અગાઉ કોંગ્રેસના શાસનમાં પણ યોજના ઘડાઇ હતી. અગાઉ ૧૯૭૦માં અને ૨૦૦૯ના વર્ષમાં ઇરાનથી ચિત્તા ભારત લાવીને વસાવવાના પ્રયાસો થયા હતા પરંતુ એક યા બીજા કારણે તે સફળ રહ્યા ન હતા. ૨૦૦૯માં તો ઇરાન સરકારે ચિત્તાઓ આપવાની ના પાડી દીધી હતી.
ચિત્તા આપનારા દેશોને આ ચિત્તાઓની સલામતીની પણ ચિંતા હોય છે. છેવટે સપ્ટેમ્બર ૨૦૨૨માં આફ્રિકન દેશ નામિબિયાથી ચિત્તાઓ લાવવામાં અને તેને ભારતીય જંગલમાં મૂકવામાં સફળતા તો મળી છે પરંતુ હવે કેટલીક બાબતો ચિંતાઓ જન્માવી રહી છે. કેટલાક નિષ્ણાતો માણસ સાથે ચિંતાના સંઘર્ષની જે ચિંતા વ્યકત કરતા હતા તે સાચી પડી શકે તેવો એક બનાવ હાલમાં બની ગયો છે. ચિત્તાઓને પ્રથમ બંધ વાડામાં છોડવામાં આવ્યા હતા ત્યાંથી હાલમાં ચાર ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા.
આમાંથી ઓબાન નામનો એક ચિત્તો આ બીજી એપ્રિલે જંગલમાંથી બહાર નિકળીને નજીકના એક ગામમાં ઘૂસી ગયો. આ સાથે જ ગામ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો. તેઓ દંડા, સળિયા જેવા સાધનો લઇને ભેગા થઇ ગયા. જો કે તેમને સમજાવવામાં જંગલ ખાતાને કંઇક સફળતા મળી અને તેઓ શાંત તો થયા પરંતુ સ્વાભાવિક રીતે લોકોમાં ચિંતાઓ ચાલુ જ હતી. આ ચિત્તો ચાર દિવસ સુધી ગામની નજીકના વિસ્તારોમાં ફરતો રહ્યો અને છેક છઠ્ઠી તારીખે તેને પકડવામાં સફળતા મળી અને તેને જંગલમાં ફરી મૂકી દેવામાં આવ્યો છે.
જો કે ચિત્તો આ રીતે જંગલમાંથી બહાર નિકળી આવ્યો તે બાબતને જંગલ ખાતાએ હળવાશથી લીધી છે. જંગલમાં છોડવામાં આવેલા ચિત્તાઓ પોતાનો વસવાટ શોધી રહ્યા છે અને તે ઘણી સારી નિશાની છે એમ પર્યાવરણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટના પછી જણાવ્યું છે. . એડિશનલ ડિરેકટર જનરલ ઓફ ફોરેસ્ટ્સ એસ.પી.યાદવે જણાવ્યું હતું કે ચિત્તાઓની આવી હિલચાલ એ કુદરતી બાબત છે અને તેમાં ચિંતા કરવા જેવું કશું નથી. ચાર ચિત્તાઓને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જંગલમાં મુકતપણે ફરી રહ્યા છે.
તેમની ગતિવિધિ પ્રાકૃતિક છે. અમને એ બાબતે આનંદ છે કે ચિત્તાઓ હરીફરી રહ્યા છે અને પોતાના વિસ્તારો શોધી રહ્યા છે અને તેમની શોધખોળના આધારે તેઓ પોતાને અનુકૂળ એવો વસવાટ શોધી કાઢશે એમ મુજબ યાદવે જણાવ્યું હતું, જેઓ પ્રોજેક્ટ ટાઇગરના વડા પણ છે. પ્રથમ બેચના આઠમાંથી ચાર ચિત્તાઓને હાલ મુક્ત જંગલમાં છૂટા મૂકાયા છે અને તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશે તેવી શક્યતા નકારી શકાતી નથી, જંગલ ખાતું તેમના પર નજર રાખી રહ્યું છે. મધ્ય પ્રદેશના જંગલ અધિકારીઓએ પ૧ ગામોમાંથી ૪૦૦ જેટલા લોકોને ચિતાહ મિત્ર તરીકે તાલીમ આપી છે.
જેમને તાલીમ આપવામાં આવી છે તેમાં શાળાના શિક્ષકો, ગામોના સરપંચો અને પટવારીઓનો સમાવશ થાય છે. અને જો કોઇ નાના પશુઓ જેવા કે ઘેટા, બકરા વગેરેનો શિકાર આ ચિત્તાઓ કરશે તો અમારી વળતર યોજના તૈયાર છે. પશુમાલીકોને પુરતું વળતર આપવામાં આવશે એમ યાદવે જણાવ્યું હતું.જો કે પોતાના વહાલા પશુઓના મોત પછી ફક્ત વળતરથી કેટલાક લોકો માને નહીં અને તેમનો રોષ શમે નહીં તેવું બની શકે છે. અને જો કોઇ માણસ પર ઘાતક હુમલો થયો તો તો સ્થિતિ ખૂબ જ વણસી શકે છે. ચિતાહ મિત્રો પણ ગામલોકોને આ સ્થિતિમાં કેટલું સમજાવી શકે તે પ્રશ્ન છે.
ઓબાન નામનો જે ચિત્તો માનવ વસવાટ વાળા વિસ્તારમાં ઘૂસી ગયો હતો તેને જંગલમાં ફરી મોકલવા માટે ખાસ્સી જહેમત ઉઠાવવી પડી છે. ટ્રેન્ક્વીલાઇઝર ગન વડે દવા લગાડેલી ગોળી ચિત્તાને મારવામાં આવી, તે થોડી વારમાં બેભાન થઇ ગયો અને તેની આંખ પર પટ્ટી બાંધીને, તેને પાંજરામાં મૂકીને ફરીથી કુનો નેશનલ પાર્કમાં લઇ જવાયો હતો. આ ઓબાન સહિત કુલ ચાર ચિત્તાઓને હાલ મુક્ત જંગલના વિસ્તારમાં છોડવામાં આવ્યા છે અને તેઓ આ રીતે માનવ વસવાટ વાળા વિસ્તારમાં પ્રવેશે તેવી શક્યતા નકારી શકાતી નથી.
અને જો આ ચિત્તાઓ વારંવાર આ રીતે ગામોમાં પ્રવેશે તો દર વખતે આવી જહેમત કરવી પડશે. અને હજી તો પ્રથમ બેચના બીજા ચાર ચિત્તાઓ બાકી છે. તેમને જંગલના બંધ વાડામાંથી મુક્ત જંગલમાં છોડવામાં આવશે તો આ જોખમ ઓર વધી જશે. અને સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલો ચિત્તાઓનો બીજો બેચ તો હજી બાકી જ છે. વળી, આ ચિત્તાઓનો દીપડા જેવા અન્ય જંગલી પશુઓ સાથે સંઘર્ષ થવાનો ભય પણ સેવાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક આફ્રિકન દેશોએ પોતાને ત્યાં ચિત્તા પુર્નવસન માટે ફેન્સિંગવાળા બંધ વાડાની અજમાવેલી રીત જ ભારતે અપનાવવાનો વિચાર કરવો પડી શકે છે.