Comments

ભારત-યુએસ ટ્રેડ ડીલ: કોણ જીત્યું?

અમેરિકાએ ભારતીય માલસામાન પરની ટેરિફ 50%થી ઘટાડીને 18% કરી છે, જે પગલાને ભારત સરકારે આવકાર્યું છે. એવા અહેવાલ છે કે, ભારત અમેરિકન વસ્તુઓ પરની ટેરિફ ઘટાડીને શૂન્ય કરશે, રશિયન ક્રૂડ ઓઇલના સ્થાને અમેરિકાથી સપ્લાય થશે, પોતાનું કૃષિ બજાર ખોલશે અને વધુ અમેરિકન સામાન ખરીદશે. ભારતે જણાવ્યું હતું કે, યુએસ ટ્રેડ ડીલ કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે રક્ષણ જાળવી રાખશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે શનિવારે ખાતરી આપી હતી કે, નવી ભારત-યુએસ ટ્રેડ ડીલ ભારતીય ખેડૂતો, ડેરી ઉત્પાદકો કે ગ્રામીણ નોકરીઓને નુકસાન પહોંચાડશે નહીં. ગોયલે કહ્યું કે, સરકારે એવું ટેરિફ માળખું સુરક્ષિત કર્યું છે જે દેશના સૌથી સંવેદનશીલ ખાદ્ય ક્ષેત્રોનું રક્ષણ કરે છે, જ્યારે ભારતીય ઉત્પાદકો, ટેક ઉત્પાદકો અને શ્રમ-પ્રધાન ઉદ્યોગો માટે નિકાસની વ્યાપક તકો પૂરી પાડે છે.

આપણે સ્વીકારવું જોઈએ કે, મહિનાઓના તણાવ અને વાટાઘાટો પછી યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી છે, જેમાં માર્ચમાં અંતિમ વ્યાપક સમજૂતીની અપેક્ષા છે. આ એગ્રીમેન્ટ એક આવકારદાયક છે, જે લાંબા સમયથી પડતર હતો. તે બંને સરકારો દ્વારા આર્થિક સંબંધોમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટેનો એક ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે, જે સતત તણાવ હેઠળ હતો.

આ સાથે અનેક સવાલોના જવાબ ન મળવાને કારણે આપણે સાવધ રહેવું પડશે. કરારના ઘણા વિગતવાર પાસાઓ અસ્પષ્ટ છે. નવા ટેરિફ માળખાનું ટકાઉપણું, ‘રૂલ્સ ઓફ ઓરિજિન’ની મર્યાદા, અમલીકરણ અને વિવાદ નિવારણ માટેની પદ્ધતિઓ અને ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને ડિજિટલ સેવાઓ જેવા સંવેદનશીલ ક્ષેત્રો વિશે ઘણા પ્રશ્નો છે જેના ઉત્તરો મળ્યા નથી. આ ઉપરાંત ભારતના રશિયન તેલની આયાતની ભૂમિકા અંગે પ્રશ્નો યથાવત છે, જે એકમાત્ર એવું પરિબળ હતું જેણે ટ્રમ્પને ગયા વર્ષે ભારત પર વધારાની 25% શિક્ષાત્મક ટેરિફ લાદવા માટે મજબૂર કર્યા હતા.

ભારત યુએસ આયાત માટે ટેરિફ ક્યાં ઘટાડી રહ્યું છે? આ સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોની બહારના ક્ષેત્રો છે. ભારત મશીનરી, ઈલેક્ટ્રિકલ્સ, વાહનો અને તેના ઘટકો તથા કેમિકલ્સ પર ટેરિફ ઘટાડે છે અથવા નાબૂદ કરે છે. આ ઉત્પાદન અને નિકાસ માટેના ભારતના પ્રયાસ સાથે સુસંગત છે. ભારતે યુએસ ટેક્નોલોજી, ડેટા-સેન્ટર અને સેમિકન્ડક્ટર હાર્ડવેર પરની ડ્યુટી ઘટાડી છે. આમાં હાઈ-એન્ડ સર્વર્સ, એઆઈ હાર્ડવેર અને ડેટા-સેન્ટર સાધનોનો સમાવેશ થશે. આનો હેતુ ભારતની ટેક અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ ખર્ચ-અસરકારક અને સ્પર્ધાત્મક બનાવવાનો છે. ભારત કેટલીક બિન-સંવેદનશીલ કૃષિ અને ખાદ્ય ચીજો પર ટેરિફ ઘટાડી રહ્યું છે. આ મોટા ભાગે ઉચ્ચ આવક ધરાવતા પરિવારો દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તેનાથી નાના ખેડૂતોને કોઈ ખતરો નથી.

આ વસ્તુઓ ડ્રાયડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ, રેડ સોર્ગમ (લાલ જુવાર) ટ્રી નટ્સ, સોયાબીન તેલ અને પસંદગીના ફળો, વાઇન અને સ્પિરિટ્સ છે. બદલામાં અમેરિકા ભારતને શું આપી રહ્યું છે? યુએસ ભારતીય નિકાસના વિશાળ સેટ પર સમાન 18 ટકા ટેરિફ લાગુ કરશે, જેના પર અગાઉ ઘણી વધારે ડ્યુટી લાગતી હતી. જે ભારતીય ક્ષેત્રોને ફાયદો થશે તેમાં કાપડ અને વસ્ત્રો, ચામડું અને ફૂટવેર, પ્લાસ્ટિક અને રબરના સામાન, ઘરની સજાવટ અને કાર્પેટ, મશીનરી અને કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને હીરા અને વિમાનના ભાગોનો સમાવેશ થાય છે.

અમેરિકા કેટલીક ભારતીય પ્રોડક્ટ્સ પર અગાઉ લગાવેલી મેટલ-સિક્યોરિટી ટેરિફ પણ પાછી ખેંચી રહ્યું છે. ભારત-યુએસ ટ્રેડ ડીલ માત્ર ભારતીય ઉત્પાદનો માટે યુએસ માર્કેટમાં વધુ પહોંચ પૂરી પાડશે નહીં, પરંતુ આપણા શ્રમ-સઘન ક્ષેત્રોને પણ ટેકો આપશે. ઉપરાંત તે આપણા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું પ્રોત્સાહન આપશે. નવા માળખા હેઠળ, દ્વિપક્ષીય વેપાર રૂ. 45 લાખ કરોડ થવાનો અંદાજ છે. આમાંથી ભારતીય નિકાસકારો અમેરિકન અર્થતંત્રના લગભગ રૂ. 30 લાખ કરોડના બજાર સુધી પહોંચ મેળવશે. આ એક અભૂતપૂર્વ તક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top