ભારતમાં નિર્મિત કોરોના વેક્સીન ઘણાં દેશોમાં ભારત દ્વારા પહોંચાડવામાં આવી રહી છે અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનને પણ હવે ભારતમાં નિર્મિત કોરોના વેક્સીન મળવાની છે. વેક્સીન સમજૂતી ગ્લોબલ એલાન્યસ ફોર વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (ગેવી) હેઠળ પાકિસ્તાનને મેડ ઇન ઇન્ડિયા વેક્સીનના કુલ 4.5 કરોડ ડોઝ આપવામાં આવશે. અન્ય દેશોને જે રીતે ભારતે સીધી વેક્સીન મોકલાવી છે તે રીતે આ વેક્સીન પાકિસ્તાનને સીધી નહીં મળે પણ વેક્સીન એલાયન્સ ગેવી હેઠળ પાકિસ્તાનને માર્ચ મહિનામાં જ આ રસીના ડોઝ મળી જવાની શક્યતા છે.
અહેવાલો અનુસાર નેશનલ સર્વિસ હેલ્થ (એનએસએચ)ના સચિવ આમિર અશરફ ખ્વાજાએ પબ્લિક એકાઉન્ટીબિલીટી કમિટી (પીએસી)ને માહિતી આપતા જણાવ્યું હતું કે વેક્સીન જોડાણ ગેવીની સાથે થયેલી એક સમજૂતી હેઠળ આ ડોઝ મેળવામાં આવશે. પાકિસ્તાનને જૂન સુધીમાં આ ડોઝ મળશે. જેમાંથી 1.6 કરોડ ડોઝ માર્ચમાં જ મળી જશે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને ભારતમાં નિર્મિત ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોનાવાયરસ વેક્સિનના ડોઝ વિનામુલ્યે મળશે. જે દેશની 20 ટકા વસતિને કવર કરશે.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના આરોગ્ય સચિવે કહ્યું હતું કે એવી આશા રાખવામાં આવી રહી છે કે માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં કોરોનાવાયરસ વેક્સીન આવી જશે. જો કે ડિલીવરીમાં થોડો વિલંબ થયો છે. પાકિસ્તાની અધિકારીએ હવે કહ્યું છે કે હવે રસીના ડોઝ આગામી થોડા અઠવાડિયાની અંદર આવવાની સંભાવના છે. એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીન એન્ડ ઇમ્યુનાઇઝેશન (ગેવી)એ પાકિસ્તાનની સાથે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોવિડ-19 વેક્સીન પુરી પાડવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.