નવી દિલ્હી: પડકાર જનક સ્થિતિમાં હેરાન થઇ રહેલા પેલેસ્ટાઈનના (Palestine) શરણાર્થીઓની મદદ માટે ભારત સરકાર આગળ આવી છે. તેમજ ભારત સરકારે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (UNRWA) ને વર્ષ 2024-25 માટે USના 5 મિલિયન ડોલરના વાર્ષિક યોગદાનના ભાગરૂપે 2.5 મિલિયન US ડોલરનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે.
અગાઉ ભારતે પેલેસ્ટાઈન મુદ્દાના શાંતિપૂર્ણ નિરાકરણ માટે ઐતિહાસિક અને અડીખમ પ્રતિબદ્ધતાને મહત્વ આપી વાતચીત દ્વારા આ બંને રાજ્યોને ઉકેલ આપવા જણાવ્યું હતું. તેમજ ભારતે “દ્વિ-રાજ્ય ઉકેલ”ને સમર્થન આપ્યું હતું. ત્યારે ભારતના એમ્બેસેડર-ઇન-ચાર્જ અને સંયુક્ત રાષ્ટ્રમાં નાયબ સ્થાયી પ્રતિનિધિ આર. રવિન્દ્રએ ગયા શુક્રવારે 12-07-2024ના રોજ પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટેની સંયુક્ત રાષ્ટ્ર એજન્સીની કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, “ભારતે હંમેશા વાટાઘાટો દ્વારા બે-રાજ્યની સમસ્યાના ઉકેલને સમર્થન આપ્યું છે, જે એક સાર્વભૌમ, સ્વતંત્ર અને સક્ષમ પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના તરફ દોરી જાય છે.”
ભારત કોના પક્ષે?
પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWA) કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં આર. રવિન્દ્રએ કહ્યું હતું કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ભારતે સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે અને નાગરિકો, ખાસ કરીને મહિલાઓને થતા જાનહાનિ અંગે સંપૂર્ણ ચિંતિત છે. તેમજ બાળકો સાથે થઇ રહેલી હિંસાની ભારત સખત નિંદા કરે છે.
ભારત દવાઓ આપી રહ્યું છે
ભારતના એમ્બેસેડર-ઇન-ચાર્જ અને ડેપ્યુટી સ્થાયી પ્રતિનિધિ આર. રવિન્દ્રએ કહ્યું હતું કે મુશ્કેલીઓ ઘટાડવામાં UNRWAની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. ત્યારે ભારત પેલેસ્ટાઈનના લોકો માટે ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. આર.રવિન્દ્રએ એમ પણ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનના 50 વિદ્યાર્થીઓને ભારતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડોક્ટરલ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરી રહ્યું છે. તેમજ ભારત એક વિશેષ વિનંતી પર UNRWAને દવાઓ પણ આપી રહ્યું છે.
ગાઝામાં મૃત્યુઆંક વધી રહ્યો છે
ગાઝા સિવિલ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા મહમૂદ બસ્સલે અગાઉ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી રહી છે. કારણ કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. ત્યારે ગાઝાની એક શાળા ઉપર થયેલા હુમલા બાબતે બસ્સલે જણાવ્યુ હતુ કે આ પ્રકારના હુમલાઓ સ્પષ્ટ દર્શાવે કે શર્ણાર્થીઓ માટે કોઇ સ્થાન સુરક્ષિત નથી.