National

દુશ્મન પણ ડરશે, ભારતે સફળતાપૂર્વક નવી વાયુ સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ કર્યું

ભારતની રક્ષણ ક્ષમતામાં એક મોટું સિદ્ધિ નોંધાયું છે. DRDOએ ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ પરીક્ષણ તા.23 ઑગસ્ટના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે થયું હતું.

IADWS એક બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. જેમાં સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM), વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) મિસાઇલો તેમજ લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે. આ સિસ્ટમ ભારતની સૈન્ય શક્તિને મજબૂત બનાવશે અને દુશ્મનના હવાઈ હુમલાઓ સામે મહત્વપૂર્ણ સુરક્ષા પ્રદાન કરશે.

DRDO દ્વારા જણાવાયું છે કે આ પ્રણાલી ભારતીય સશસ્ત્ર દળોને સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ કરવામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. IADWSના માધ્યમથી ભારત પોતાની બહુ-સ્તરીય એર ડિફેન્સ ક્ષમતા વિશ્વમાં સ્થાપિત કરવામાં સફળ બન્યું છે.

સંરક્ષણ મંત્રીનો અભિનંદન સંદેશ
પરીક્ષણની સફળતા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે;

“23 ઓગસ્ટના રોજ DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવેલ IADWS નું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળ રહ્યું છે. આ સિસ્ટમ ભારતની સ્વદેશી ટેકનોલોજી અને સંશોધન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.”

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે DRDO, ભારતીય સશસ્ત્ર દળો અને ઉદ્યોગજગતના સહયોગથી દેશની હવાઈ સંરક્ષણ શક્તિ નવી ઊંચાઈએ પહોંચી છે. આ પરીક્ષણ માત્ર એક સિદ્ધિ નથી પરંતુ ભારતના આત્મનિર્ભર રક્ષણ ક્ષેત્ર તરફના પ્રયાસોને મજબૂત બનાવે છે.

રાષ્ટ્રરક્ષણમાં મજબૂતી
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર IADWSના સફળ પરીક્ષણથી ભારતને શત્રુ દેશોના હવાઈ ખતરાઓ સામે તાત્કાલિક પ્રતિસાદ આપવાની ક્ષમતા મળી રહેશે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સંસ્થાઓ અને શહેરોના સંરક્ષણમાં આ સિસ્ટમ મોટી ભૂમિકા ભજવશે.

આ પરીક્ષણથી ભારત વિશ્વના અગ્રણી દેશોની કક્ષામાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી રહ્યું છે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.

Most Popular

To Top