Comments

ભારતે અમેરિકાને ચૂકવેલો વધારાનો ટેરિફ પરત મેળવવા CITમાં દાવો કરવો જોઇએ

ટેરિફનું નામ આવે એટલે તરત જ ટ્રમ્પનો ચહેરો સામે આવી જાય છે. કારણ કે, ટેરિફના નામે ટ્રમ્પે આખી દુનિયાને બાનમાં લીધી હતી. હવે અમેરિકાની સુપ્રિમકોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યો છે. જેથી પ્રેસિડેન્ટ અકળાઇ ગયા છે. અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ગયા વર્ષની શરૂઆતથી ટ્રમ્પ વહીવટીતંત્રે ટેરિફ દ્વારા કંપનીઓ પાસેથી 200 અરબ ડોલર એટલે કે આશરે 17 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ વસૂલી કરી છે.

અહેવાલો અનુસાર, જો ટેરિફ રદ કરવામાં આવે છે તો કંપનીઓ આ રકમની અડધાથી વધુ રકમ રિફંડ તરીકે દાવો કરી શકે છે. ઘણી કંપનીઓએ આ માટે દાવો દાખલ કર્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં રિફંડ વિશે કંઈ કહ્યું નથી. રિફંડના કેસ યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ (CIT)માં સાંભળવામાં આવે છે. કંપનીઓ ફક્ત CIT દ્વારા જ તેમના પૈસા પાછા મેળવી શકે છે. જોકે દાવો દાખલ કર્યા પછી કંપનીઓને લાંબી કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. જો કોઈ વિદેશી કંપની પણ અમેરિકન આયાતકાર હોય તો તેણે પણ દાવો દાખલ કરવો પડશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રિફંડ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી સરકાર કોઈપણ કંપનીઓને વસૂલવામાં આવેલા ટેરિફ પરત કરશે નહીં. ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે આ કેસ હવે આગામી બે વર્ષ સુધી કોર્ટમાં ચાલશે. અમે આગામી પાંચ વર્ષ સુધી કોર્ટમાં જ રહીશું. યેલ યુનિવર્સિટીની બજેટ લેબ કહે છે કે સુપ્રીમ કોર્ટે રિફંડનો ઇનકાર કર્યો નથી.

આનો અર્થ એ છે કે IEEPA હેઠળ ભારે ટેરિફ ચૂકવનાર કંપનીઓને એ પાછો મળી શકે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બ્રેટ કવાનાહ જેમણે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો તેમણે કહ્યું,  કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે ટેક્સ ખોટો હતો, પરંતુ સરકાર ક્યારે અને કેવી રીતે અબજો ડોલર પરત કરશે એ સ્પષ્ટ કર્યું નથી. એકાઉન્ટન્સી ફર્મ PwC અનુસાર ભારતીય નિકાસકારોએ ઓક્ટોબર 2025 સુધીમાં યુએસને 487 મિલિયન ડોલર એટલે કે આશરે 4,000 કરોડ રૂપિયાનો ટેક્સ અમેરિકાને ચૂકવી દીધો છે. તેમનું કહેવું છે કે જો રિફંડ મંજૂર કરવામાં આવે તોપણ કંપનીઓને એ પાછા મેળવવા માટે જટિલ કસ્ટમ નિયમો અને કાગળકામ કરવું પડશે, જે સમય માગી લેશે.

એમાં ખર્ચ પણ ઘણો થશે. PwCના અહેવાલ મુજબ 2025માં અમેરિકાએ ટેરિફ અને અન્ય એક્સાઇઝ ટેક્સમાંથી આશરે 289 બિલિયન ડોલરની આવક કરી છે. એક વર્ષ પહેલાં 2024માં આ માત્ર 98.3 બિલિયન ડોલર હતી. દરમિયાન ઓક્ટોબર 2025 સુધીમાં અમેરિકાએ ટેરિફમાંથી 108 બિલિયન ડોલરની કમાણી કરી છે. આમાંથી સૌથી વધુ રકમ ચીને 34 બિલિયન ડોલરનો ટેરિફ ચૂકવ્યો છે.ટ્રમ્પે યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી માત્ર ત્રણ કલાકમાં જ 10% વૈશ્વિક ટેરિફ લાદવાનો નિર્ણય લીધો. કલમ 122 એ અમેરિકાના કાયદાનો ભાગ છે, જેને ટ્રેડ એક્ટ ઓફ 1974 કહેવાય છે. આ કાયદો યુએસ રાષ્ટ્રપતિને જો દેશ અચાનક વેપાર ખાધ અથવા આર્થિક કટોકટીનો સામનો કરે તો તાત્કાલિક આયાત પર ટેરિફ લાદવાનો અધિકાર આપે છે.

આ હેઠળ રાષ્ટ્રપતિ લાંબી તપાસ પ્રક્રિયા વિના કામચલાઉ ટેરિફ લાદી શકે છે. સામાન્ય રીતે આ ટેરિફ 150 દિવસ સુધી ચાલુ રહી શકે છે, જે દરમિયાન સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરે છે અને વધુ નિર્ણયો લે છે. NBC ન્યૂઝ અનુસાર બધા વેપાર ભાગીદારો પર એકસમાન 10% વૈશ્વિક ટેરિફ લાદવાથી ઊંચો ટેરિફ ધરાવતા દેશો પર લાદવામાં આવેલા ટેરિફ આપમેળે ઘટશે. આ ટેરિફ 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી અમલમાં આવશે. વ્હાઇટ હાઉસના ડોક્યુમેન્ટ અનુસાર, આ યુએસ ડોલરના પ્રવાહને અટકાવશે અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે.

કેટલાંક ઉત્પાદનોને મુક્તિ આપવામાં આવી છે, જેમ કે ચોક્કસ કૃષિ ઉત્પાદનો (ટામેટાં, સંતરાં), મહત્ત્વપૂર્ણ ખનિજો, ફાર્માસ્યુટિકલ્સ, કેટલાક ઇલેક્ટ્રોનિક્સ અને પેસેન્જર વાહનો. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ ટેરિફ હાલના ટેરિફને બદલશે અને વધુ પૈસા કમાવવાના તેમના પ્રયાસો ચાલુ રાખશે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, કલમ 122નો ઉપયોગ પહેલાં ક્યારેય થયો નથી. તેથી જો કોર્ટમાં પડકારવામાં આવે તો કોર્ટ તેનું અર્થઘટન કેવી રીતે કરશે એે સ્પષ્ટ નથી. અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારત પર લાદવામાં આવેલ 18% રેસિપ્રોકલ ટેરિફ એનો કાનૂની આધાર ખોઈ બેસે છે, તેથી ભારત માટે ભાવતાલ કરવાના દરવાજા ખૂલી ગયા છે.

મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર 18% ટેરિફ ફરીથી લાદવા માટે નવા કાનૂની માર્ગો શોધી રહ્યું છે. ટ્રમ્પનો દાવો છે કે ભારત વેપાર કરારમાં સંમત થયા મુજબ 18% ટેરિફ ચૂકવશે. આ ડીલ વાજબી છે અને ભારત હવે પહેલાં જેવો ફાયદો ઉઠાવી નહીં શકે. જો ટ્રેડ ડીલ તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવામાં આવે છે તો ભારતે 18% ટેરિફ ચૂકવવો પડશે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, ‘વડાપ્રધાન સમજૂતી કરી ચૂક્યા છે.

તેમનો વિશ્વાસઘાત હવે ખુલ્લો પડી ગયો છે. તેઓ ફરીથી વાટાઘાટો નહીં કરી શકે. તેઓ ફરીથી સરેન્ડર કરી દેશે.’ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી એક પ્રેસ-કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, ‘વડાપ્રધાન મોદી ખરેખર મહાન વ્યક્તિ છે, પરંતુ તેઓ અમેરિકાના સંદર્ભમાં પોતાના વિરોધીઓથી વધારે ચતુર છે. તો અમે ભારત સાથે એક ડીલ કરી, હવે આ એક નિષ્પક્ષ ડીલ છે. હવે અમે તેમને ટેરિફ આપતા નથી, એ લોકો ટેરિફ આપે છે.

અમે ઊલટું કરી નાખ્યું. એવામાં આગામી 150 દિવસ ભારત-અમેરિકા વેપાર સંબંધો માટે નિર્ણાયક હોઈ શકે છે.’આ કાયદાઓ હેઠળ તપાસ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ ટેરિફ લાદી શકે છે. કોર્ટે તેના નિર્ણયમાં એમ પણ જણાવ્યું હતું કે ટેરિફ લાદવા માટે ખાસ કરીને નોંધપાત્ર આર્થિક અથવા રાજકીય અસર ધરાવતા મુદ્દાઓ પર કોંગ્રેસ (સંસદ)ની સ્પષ્ટ મંજૂરીની જરૂર હોય છે. ટ્રમ્પ યુએસ કોંગ્રેસ અને સેનેટમાં પસાર થવા માટે ટેરિફ પ્રસ્તાવ રજૂ કરી શકે છે. 435 સભ્યોની કોંગ્રેસમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે 218 સભ્યો છે જ્યારે વિપક્ષ ડેમોક્રેટ્સ પાસે 213 સભ્યો છે. 100 સભ્યોની સેનેટમાં 53 રિપબ્લિકન અને 47 ડેમોક્રેટ્સ છે, જોકે યુએસમાં ટેરિફ વિરુદ્ધની ભાવનાને જોતાં તેઓ એને પસાર કરવાનું ટાળી શકે છે.

અમેરિકા પાસે બચેલા વિકલ્પની વાત કરીએ તો કેટલાક કાયદાઓ મારફત ખાસ સ્થિતિઓમાં રાષ્ટ્રપતિને પણ ટેરિફ લગાવવાની સત્તા છે. ટ્રેડ એક્ટ 1974ના સેક્શન 122 હેઠળ રાષ્ટ્રપતિ 150 દિવસ માટે 15% સુધીના ટેરિફ લાદી શકે છે. સેક્શન 301 હેઠળ કોઈ દેશમાંથી થઈ રહેલા અનુચિત વેપારના મામલામાં તપાસ અને યોગ્ય પ્રક્રિયા પછી ટેરિફ લાદી શકાય છે. સેક્શન 201 હેઠળ જો ઈમ્પોર્ટથી અમેરિકન ઈન્ડસ્ટ્રીને ગંભીર નુકસાન થઈ રહ્યું હોય તો ‘સેફગાર્ડ ટેરિફ’ લાદી શકાય છે. ટેરિફ એક્ટ 1930ના સેક્શન 338 હેઠળ જો કોઈ દેશ અમેરિકા સાથે ભેદભાવ કરી રહ્યો હોય તો 50% ટેરિફ લાદી શકાય છે, જોકે દાયકાઓથી આનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top