Sports

ટીમ ઇન્ડિયા માટે સેમીફાઇનલનો માર્ગ થોડો મુશ્કેલીભર્યો

એડિલેડ : ટી-20 વર્લ્ડકપ 2022માં રવિવારે ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે રમાયેલી મેચમાં ભારતને ટુર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું, જેના કારણે ભારત હવે પોઈન્ટ ટેબલમાં નંબર વનથી બીજા સ્થાને પહોંચી ગયું છે. જો કે, આ હાર ભારતીય ટીમને વધુ પરેશાન કરશે નહીં અને તેના સેમિફાઇનલ પ્રવેશ આડે વધુ કોઇ અવરોધ નથી, પરંતુ ટીમની સામે એક મોટી સમસ્યા એ છે કે તેની બાકી બચેલી બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામેની મેચમાં વરસાદ તેમનો ખેલ ન બગાડવો જોઇએ.

એક રીતે જોઇએ તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું બહુ મુશ્કેલ નથી. પરંતુ, જો આ બે મેચમાંથી કોઇ એક મેચમાં પણ અપસેટ થાય અથવા વરસાદ પડશે તો ભારત માટે સ્થિતિ મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં હવે ભારતે સૌથી પહેલા તો પોતાની બંને મેચ જીતવી જરૂરી છે. જો એમ ન થાય તો ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની પોતાની બુધવારે રમાનારી મેચ જીતવી જરૂરી બનશે. ભારતીય ટીમ બુધવારે 2 નવેમ્બરે એડિલેડ ઓવલ ખાતે બાંગ્લાદેશ સામે રમશે ત્યારે તેમના માટે આ મેચ ખરેખર તો કરો યા મરો જેવી જ હશે. જ્યારે ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ સુપર-12 મેચ રવિવારે 6 નવેમ્બરે મેલબોર્ન ખાતે ઝિમ્બાબ્વે સામે રમશે.

ભારતીય ટીમ માટે સારી વાત એ છે કે ઝિમ્બાબ્વે સામેની તેમની મેચ સુપર-12ની સૌથી છેલ્લી મેચ છે અને તેથી જો તેમણે નેટ રનરેટને ધ્યાને રાખીને રમવાનું હોય કે બીજા કોઇ સમીકરણને ધ્યાને લેવાનું હોય તો તેઓ તેમ કરી શકશે.

જો બાંગ્લાદેશે ભારતીય ટીમને અપસેટ કરશે તો ભારતની હાલત બગડશે
ટીમ ઈન્ડિયાએ સુપર-12 રાઉન્ડની છેલ્લી બે મેચ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે રમવાની છે. જો ટીમ ઈન્ડિયા બુધવારે એડિલેડ ઓવલ ખાતે રમાનારી મેચમાં બાંગ્લાદેશ સામે હારશે તો બાંગ્લાદેશના મહત્તમ 6 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ પોતાની રવિવારે પાકિસ્તાન સામે રમાનારી મેચ પણ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી શકે છે અને એમ કરવામાં તે સફળ રહેશે તો ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે તે ટીમ ઇન્ડિયાને પછાડીને સેમીફાઈનલમાં પહોંચી શકે છે. તેથી જ બુધવારે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયા માટે બાંગ્લાદેશને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે સામે હારશે તો પણ એ જ સ્થિતિ સર્જાશે
હવે સમીકરણની બીજી તરફ ધ્યાન આપીએ તો જો ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે બુધવારે રમાનારી મેચમાં જીતે, પરંતુ ઝિમ્બાબ્વે સામે રવિવારે રમાનારી મેચમાં હારી જાય તો આ સ્થિતિમાં ઝિમ્બાબ્વેની ટીમ માટે દક્ષિણ આફ્રિકા સાથે સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. જોકે તેના માટે ઝિમ્બાબ્વેને પહેલા નેધરલેન્ડને હરાવવું પડશે. જો ઝિમ્બાબ્વે બુધવારે નેધરલેન્ડને હરાવ્યા પછી રવિવારે ભારતને પણ હરાવશે તો આ સ્થિતિમાં ભારતના માત્ર 6 પોઈન્ટ રહેશે અને ઝિમ્બાબ્વે 7 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે.

ભારતીય ટીમ માટે સૌથી મોટો અવરોધ વરસાદ પણ બની શકે
આ બધા સિવાય વરસાદ પણ ભારતીય ટીમ માટે સમસ્યા બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમની આગામી બે મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો ટીમના માત્ર 6 પોઈન્ટ જ થશે. જો આ પ્રકારની સ્થિતિ સર્જાશે તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા ઝિમ્બાબ્વેમાંથી કોઈપણ ટીમ દક્ષિણ આફ્રિકા સાથે સેમીફાઈનલમાં જઈ શકે છે. જો કે પાકિસ્તાન માટે સંભાવના એટલી સારી નથી, કારણ તેની મેચમાં પણ વરસાદનું જોખમ તો છે જ.

Most Popular

To Top