National

ભારતએ ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા 4 વર્ષ બાદ ફરી શરૂ કર્યા

ભારત સરકારે લગભગ ચાર વર્ષ બાદ ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કર્યું છે. 2020થી સ્થગિત આ સેવા હવે તાત્કાલિક અસરથી વિશ્વભરના ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટમાં ઉપલબ્ધ છે. આ નિર્ણય ભારત-ચીન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસોની દિશામાં એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદી તણાવને કારણે સંબંધોમાં ઉચ-નીચ આવી હતી. ખાસ કરીને 2020ના એપ્રિલ-મેમાં પૂર્વી લદ્દાખમાં થયેલા લશ્કરી અથડામણ અને ગલવાન ખીણની અથડામણ બાદ ભારતીય સરકારે ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા બંધ કરી દીધા હતાં. હવે ચાર વર્ષ બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. જે બંને દેશો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિશ્વભરના ભારતીય મિશનોએ ચીની પાસપોર્ટ ધારકોની પ્રવાસી વિઝા અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. જોકે આ અંગે ભારત સરકારે હજી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પાડેલું નથી.

તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં નરમાશ લાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે:

  • સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ: 2020 બાદ બંધ રહેલી ફ્લાઇટ સેવા ઓક્ટોબર 2024થી ફરી શરૂ કરવામાં આવી.
  • કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય: ધાર્મિક પ્રવાસીઓને રાહત.
  • વિઝા પ્રક્રિયામાં સરળતા: પ્રવાસીઓને વીઝા પૉલિસીમાં રાહત.
  • રાજદ્વારી સંબંધોના 75 વર્ષ: બંને દેશોએ ખાસ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી.

જુલાઈ 2024માં ભારતે માત્ર બેઇજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગમાં મર્યાદિત રીતે વિઝા આપવાનું શરૂ કર્યું હતું. જે હવે સમગ્ર વિશ્વમાં વિસ્તૃત થયું છે.

ઉચ્ચ સ્તરીય વાટાઘાટોનું પરિણામ
ઓક્ટોબર 2024માં LAC પરથી સૈનિકોને દૂર કરવાની સંમતિ બાદ બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત ઝડપથી વધી હતી. રશિયાના કાઝાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોને ફરી માર્ગ પર લાવવા પર ભાર મૂકાયો હતો.

ત્યાં બાદ વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, NSA સહિતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેના સંવાદે બંને દેશના વેપાર, સરહદી સહકાર અને આર્થિક પ્રવૃત્તિઓને માર્ગ પર લાવવામાં મદદ કરી છે.

ભારત દ્વારા લેવામાં આવેલ આ મહત્વના નિર્ણયને બંને દેશો વચ્ચેના સંબંધમાં સુધારાનું પગલું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top