National

સેના ઉપર સૌથી વધુ ખર્ચો કરનાર દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમાંકે, SIPRIનો રિપોર્ટ

નવી દિલ્હી: વર્ષ 2023માં પોતાની સેના (Army) પર સૌથી વધુ ખર્ચ (Spend) કરનારા દેશોની યાદી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવી હતી. આયાદી મુજબ ભારત (INDIA) વિશ્વનો ચોથો દેશ છે કે જે પોતાના સૈન્ય ઉપર સૌથી વધુ ખર્ચ કરે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનના વધતા સૈન્ય ખર્ચ અને ક્ષેત્રમાં વધી રહેલા તણાવને કારણે પડોશી દેશોનો ખર્ચ પણ વધી ગયો છે. તાજેતરના ડેટા અનુસાર, આ મામલે સૌથી વધુ ખર્ચ કરનાર દેશ અમેરિકા છે, ત્યારબાદ બીજા સ્થાને ચીન અને ત્રીજા સ્થાને રશિયા છે. જો કે, આ રિપોર્ટ દ્વારા એ પણ બહાર આવ્યું છે કે ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૈન્ય ઉપર 4.2 ટકાથી વધુ ખર્ચ કર્યો છે. વર્ષ 2022માં પણ ભારત સૈન્ય પર ખર્ચ કરનાર વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ હતો.

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વચ્ચે તાજેતરના આંકડા
SIPRIનો આ રિપોર્ટ એ પણ દર્શાવે છે કે 2023માં દુનિયાભરના દેશોએ પોતપોતાની સેના પર 2443 બિલિયન ડોલર ખર્ચ્યા હતા. વર્ષ 2022ની સરખામણીમાં આ ખર્ચમાં 6.8 ટકાનો વધારો થયો છે. તાજેતરના આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે ચીન સાથે ભારતનો છેલ્લા કેટલાક સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે.

યુક્રેનના લશ્કરી ખર્ચમાં 51 ટકાનો વધારો થયો
રિપોર્ટ અનુસાર યુક્રેનનો સૈન્ય ખર્ચ 51 ટકા વધીને $64.80 બિલિયન થયો છે. રશિયાનું લશ્કરી બજેટ 24 ટકા વધીને 109 અબજ ડોલર થયું છે. યુએસએ તેનું લશ્કરી બજેટ 2.3 ટકા વધારીને $916 બિલિયન કર્યું છે. જ્યારે ચીને તેમાં 6 ટકાનો વધારો કરીને 296 અબજ ડોલર કર્યો છે.

સૈન્ય મોરચે ભારત પોતાને કેવી રીતે મજબૂત બનાવી રહ્યું છે?
2020માં લદ્દાખમાં ચીન સાથેની અથડામણ બાદ ભારતે સંરક્ષણ ક્ષેત્રે પોતાની ક્ષમતાઓને ઝડપથી મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. દેશ હાલમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર, યુદ્ધ જહાજો, ટેન્ક, આર્ટિલરી ગન, રોકેટ, મિસાઇલ અને અન્ય લડાઇ પ્રણાલીનું આધુનિકીકરણ કરીને સૈન્યને ફરીથી ડિઝાઇન કરી રહ્યું છે. જેના માટે ભારતે મોટો સૈન્ય ઉપર મોટો ખર્ચ કર્યો હતો. તેમજ અન્ય દેશો માંથી પણ હથિયારો ઇમ્પોર્ટ પણ કર્યા હતા.

Most Popular

To Top