નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે છેલ્લું દોઢ વર્ષ કંઈ ખાસ રહ્યું નથી. જ્યાં સિનિયર ખેલાડીઓના (Player) પ્રદર્શનનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ યુવા ખેલાડીઓ એટલે કે જુનિયર પ્લેયર સતત પોતાનો દાવો દાખવી રહ્યા છે. આનું તાજું ઉદાહરણ શનિવારે બાંગ્લાદેશ સામે ભારતની રમાયેલી મેચ પરથી જોવા મળ્યો છે. આ મેચમાં ઈશાન કિશને 210 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. માત્ર કિશન જ નહીં શુભમન ગિલનું અગાઉનું પ્રદર્શન વિજય હજારે ટ્રોફીમાં રુતુરાજ ગાયકવાડની ધમાકેદાર બેટિંગ અને સંજુ સેમસનનું શાનદાર પુનરાગમન… આ બધાએ બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટને મોટી મૂંઝવણમાં મૂક્યું છે.
છેલ્લી કેટલીક ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની વાત કરીએ તો વિરાટ કોહલી સિવાય અન્ય સિનિયર ખેલાડીઓ પોતાની છાપ છોડી શક્યા નથી. રોહિત શર્માના પ્રદર્શન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. તે જ સમયે કેએલ રાહુલ અને શિખર ધવન પણ કંઈક સારું પ્રદર્શન કરી શકયા નથી. ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ પણ કંઈક સારું રમી શકયા નથી. આવી સ્થિતિમાં ઈશાન કિશન, શુભમન ગિલ, સંજુ સેમસન, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શને ટીમ ઈન્ડિયાને વિચારવા મજબૂર કરી દીધી છે. હવે બીસીસીઆઈ સામે પણ દ્વિધા ઊભી થઈ છે.
આવતા વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. શુભમન ગિલ અને ઈશાન કિશન અલગ-અલગ મેચોમાં પોતાનો અલગ જ રેકોર્ડ બનાવી રહ્યાં છે. દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે ઈશાનને તેના બાંગ્લાદેશની મેચ સામેના પ્રદર્શન પછી બહાર રાખવો મુશ્કેલ છે. આ ઉપરાંત શુભમન ગીલ પણ પોતાનો રેકોર્ડ બનાવી રહ્યો છે. જો આવા સમયે રોહિત શર્મા વાપસી કરે છે તો કોઈકે બહાર બેસવું પડે તેવી સ્થિત સર્જાઈ શકે છે જો કે હવે જોવું રહ્યું કે શું થશે.
ઈશાન કિશન ડાબોડી વિકેટ-કીપર બેટ્સમેન છે અને જો તેને પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવે તો તે વિકેટ કીપર તરીકે રમી શકે છે. વ્હાઈટ બોલના ફોર્મેટમાં ઋષભ પંતના પ્રદર્શન પર પણ આવા જ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, તે બાંગ્લાદેશ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો હતો અને કેએલ રાહુલને તેની જગ્યાએ વિકેટ રાખવી પડી હતી. આવી સ્થિતિમાં ઈશાનને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં જગ્યા મળી શકે છે અને કેએલ રાહુલ માત્ર બેટ્સમેન તરીકે જ રમી શકે છે.