World

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે અમેરિકા મધ્યસ્થીનું કામ કરશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US State Department) બુધવારે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા (America) ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે વાતચીત શરૂ કરવા માટે સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે આ અંગે કહ્યું કે ‘જેમ અમે પહેલા કહ્યું છે અમે સાવચેતીના મુદ્દાઓ અંગે ભારત-પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને સમર્થન આપીશું’. વિદેશ મંત્રાલયનું આ મોટું નિવેદન એવાં સમયે આવ્યું છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે.

આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતનું સમર્થન કર્યું હોય. આ વર્ષે માર્ચમાં પણ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના તત્કાલિન પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે અમેરિકા બંને દેશો વચ્ચે વાતચીત કરાવવા માટે તૈયાર છે, પરંતુ પહેલા બંને દેશોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. નેડ પ્રાઈસે કહ્યું હતું કે અમેરિકા બંને દેશોના સહયોગી તરીકે વાતચીત માટે મધ્યસ્થી કરવા તૈયાર છે.

પાકિસ્તાની પીએમે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે તાજેતરમાં જ પોતાના એક નિવેદનમાં ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોમવારે ઈસ્લામાબાદમાં મિનરલ્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે કહ્યું હતું કે તેઓ દેશના પુનઃનિર્માણ માટે પડોશી દેશો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

ઈઝરાયેલ અને સાઉદી અરેબિયામાં પણ અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે
એકબીજાના સૌથી મોટા વિરોધી રહેલા સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચે વાતચીત માટે અમેરિકા પણ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે.ઇઝરાયેલના ગુપ્તચર વિભાગના વડાએ ગયા અઠવાડિયે અમેરિકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમેરિકાના NSA જેક સુલિવાન અને મોસાદ ચીફ ડેવિન બાર્નિયા વચ્ચે લાંબી ચર્ચા વિચારણા થઈ હતી. જેક સુલિવાન પણ તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. એવી ચર્ચા છે કે અમેરિકા ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે વાતચીત કરી રહ્યું છે અને બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં રાજદ્વારી સંબંધો સ્થાપિત થઈ શકે છે.

Most Popular

To Top