Comments

૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ૧૯૪૭ના વિભાજન બાદથી જ વિવાદાસ્પદ રહ્યા છે. આ સંબંધો, ૨૦૨૫માં નવતર વિવાદોના સમંદરમાં ડૂબી ગયા છે. કાશ્મીર વિવાદ, આતંકવાદ, સિંધુ જળ વિવાદ તેમજ પરમાણુ હથિયારો જેવા મુદ્દાઓ બંને પડોશીઓને વારંવાર યુદ્ધના કિનારે લાવ્યા છે. મે ૨૦૨૫ના ચાર દિવસીય સંઘર્ષે આ તણાવને નવી ઊંચાઈ આપી, જે સીધી કે આડકતરી રીતે વૈશ્વિક શક્તિઓ (અમેરિકા, ચીન)ને પણ સામેલ કરે છે. ૨૦૨૫ દરમિયાનનાં વિવાદો, વ્યૂહાત્મક પરિણામો, ફાયદા-ગેરફાયદા અને ભવિષ્યની દિશા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો બંને દેશોમાં આંતરિક સંબંધો તેમજ વિદેશનીતિ પર એની વ્યાપક અસરો જોવા મળે છે.

૨૦૨૫નું વરસ ભારત-પાકિસ્તાન સંબંધોમાં ‘સંઘર્ષનું વર્ષ’ રહ્યું છે, જે એપ્રિલથી શરૂ થયેલા ઘટનાઓથી પ્રભાવિત છે. મુદ્દાસર જોઈએ તો ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ૨૫ ભારતીય પર્યટકોની હત્યા કરી, જેને ભારતે પાકિસ્તાનપ્રેરિત આતંકવાદી જૂથો સાથે જોડ્યું. ૭ મેના રોજ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ નામે પાકિસ્તાન અને પાક-નિયંત્રિત કાશ્મીરમાં આતંકી માળખાંઓને લક્ષ્ય બનાવતાં મિસાઇલ હુમલા કર્યા. પાકિસ્તાને તરત જ ‘ઓપરેશન બુન્યાનુન મર્સૂસ’શરૂ કર્યું, જેમાં ડ્રોન યુદ્ધ અને મિસાઇલ હુમલાઓનો સમાવેશ થયો. આ ચાર દિવસીય (૭-૧૦ મે) સંઘર્ષ બંને પરમાણુ શક્તિઓ વચ્ચેની સૌથી ગંભીર કટોકટી હતી, જેમાં ચીની બનાવટના J-10 જેટ્સ અને અન્ય હથિયારોનો પ્રથમ વખત સીધો ઉપયોગ થયો.

ડોનાલ્ડ ટ્રમ્પના અનેક વખત કહેવા પ્રમાણે ૧૦ મે એ અમેરિકાના હસ્તક્ષેપથી સીઝફાયર થયું. પરંતુ તણાવ વધ્યો. ભારતે સિંધુ જળસંધિ સ્થગિત કરી, વીઝા-મુક્ત મુસાફરી અને અટારી સરહદ બંધ કરી. પાકિસ્તાન સાથેનો વેપાર અટકાવ્યો, વિમાનમાર્ગ બંધ કર્યો. પાકિસ્તાને સિંધુનાં પાણી રોકવાની ભારતની કાર્યવાહીને યુદ્ધની કાર્યવાહી ગણાવી વળતાં જલદ પગલાં લેવાની ચીમકી આપી. નવેમ્બરમાં ભારત-અફઘાનિસ્તાન વેપાર કોરિડોર શરૂ થયો, જે પાકિસ્તાનના વિમાનમાર્ગ પ્રતિબંધને કારણે ઝડપથી પ્રસ્થાપિત થયો.

ડિસેમ્બર ૨૦૨૫માં પાકિસ્તાને બાંગલા દેશ અને ચીન સાથે ત્રિપક્ષીય સહયોગ વધારવાની વાત કરી, જેને ભારતે સંબંધો બહેકાવવાનો પાકિસ્તાનનો પ્રયાસ ગણાવ્યો. પાકિસ્તાનનાં અફઘાન નાગરિકો પર હુમલા અને ભારતના સમર્થનને લઈને તણાવ વધ્યો છે એમ કહેવાયું. ભારતે બોર્ડર રોડ્સ (BRO) પ્રોજેક્ટ્સમાં રૂ. ૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું, જે ‘ઓપરેશન સિંદૂર’ની કહેવાતી સફળતા સાથે જોડાયેલું છે. આ સંબંધોમાં બંને દેશોની વ્યૂહાત્મક તાકાત અને નબળાઈઓ સ્પષ્ટ દેખાય છે, જે પ્રાદેશિક અસ્થિરતાને વધારે છે. અમેરિકાએ અનેક વખત ભારત-પાકિસ્તાન યુદ્ધ પોતે બંધ કરાવ્યું તેવી વાત કહી પણ ભારતે કોઈ અગમ્ય કારણસર એનો જવાબ આપવાનું ટાળીને માત્ર એટલું જ કહ્યે રાખ્યું કે યુદ્ધ રોકવાનો નિર્ણય બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન્સ દ્વારા લેવામાં આવ્યો હતો.

‘ઓપરેશન સિંદૂર’ થકી ભારતે મિસાઇલ અને ડ્રોન ક્ષમતા દર્શાવી, જેણે પાકિસ્તાનને પાછા હટવા ફરજ પાડી. ઇન્ડસ વોટર ટ્રીટી સ્થગિત થવાને કારણે પાકિસ્તાનની પાણી સુરક્ષા જોખમમાં છે, જ્યારે ભારત અફઘાનિસ્તાન સાથે વેપાર વધારી રહ્યું છે. અફઘાનિસ્તાનનું પ્રતિનિધિમંડળ ભારત પણ આવી ગયું જેણે ઉષ્માભર્યો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ તણાવની વચ્ચે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ૫૦% ટેરિફ અને સીઝફાયર ક્રેડિટ વિવાદથી ભારત-યુએસ સંબંધો ખરાબ થયા, જે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને પડકારે છે.

પાકિસ્તાન અત્યારે ચોતરફથી ઘેરાયેલું છે. IMFની $૧.૨ અબજની મદદની અપેક્ષા વચ્ચે વેપાર અટકવાથી અર્થતંત્ર ખાડામાં છે. બલુચ અને અફઘાન સરહદ તણાવ વધ્યો છે. જો કે સાઉદી અરબ સાથે તેની ડિફેન્સ ડીલથી ભારતને મિડલ ઈસ્ટમાં નુકસાન થયું છે. આ સમગ્ર તણાવથી દક્ષિણ એશિયામાં પરમાણુ યુદ્ધનું જોખમ વધ્યું છે. ચીનની ભૂમિકા વધી છે અને અમેરિકા પણ પાકિસ્તાન તરફ ઢળેલું દેખાય છે. આમ, ભારત-પાકિસ્તાન સંબંધો મે ૨૦૨૫થી વધુ અસ્થિર બન્યા છે જે ન્યૂક્લિયર વોરનું વૈશ્વિક જોખમ વધારે છે, પરંતુ ડિપ્લોમસીથી જ શાંતિનો માર્ગ ખુલશે, નહીં તો પ્રાદેશિક અસ્થિરતા વધશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top