કેપટાઉન : મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે (India) કટ્ટર હરીફ પાકિસ્તાનને (Pakistan) સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. ટી20માં ભારત સામે પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર હતો. બિસ્માહ મારૂફે 55 બોલમાં અણનમ 68 અને આયેશા નસીમે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતને જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં 28 રનની જરૂર હતી.
- ભારતે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો
- ભારતને જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં 28 રનની જરૂર હતી
- ભારતીય ટીમે હવે આગામી મેચ 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે
18મી ઓવરમાં રિચાએ સતત ત્રણ ચોગ્ગા ફટકારીને પ્રથમ મેચને બદલી નાંખી હતી. આ પછી 19મી ઓવરમાં જેમિમાએ ત્રણ ચોગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. જેમિમાને 19મી ઓવરના છેલ્લા બોલ પર તેની અડધી સદી માટે એક રનની જરૂર હતી. તેણે ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પણ પૂરી કરી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. જેમિમાની T20 કારકિર્દીની આ 10મી અડધી સદી હતી. જેમિમા 55 બોલમાં 68 અને રિચાએ 25 બોલમાં 43 રન બનાવીને અણનમ રહી હતી. જેમિમાએ તેની ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે રિચાએ તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ 58 રનની ભાગીદારી થઈ હતી. જેમિમાને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવી હતી.
ભારતીય ટીમે હવે આગામી મેચ 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની છે. ગ્રુપ-બીમાં આ જીત સાથે ટીમ ઈન્ડિયા ટોપ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમ 15 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે ટકરાશે.