ક્વેટા : એશિયા કપની (Asia Cup) યજમાની છીનવાઇ જવાની સંભાવનાને પગલે પાકિસ્તાન (Pakistan) ક્રિકેટમાં (Cricket) ખળભળાટ મચી ગયો છે. ત્યાંના માજી ક્રિકેટરો ભારત (India) વિરૂદ્ધ કેટલાક બેફામ નિવેદનો કરી રહ્યા છે. આવું જ એક બેફામ નિવેદન પાકિસ્તાનના માજી ખેલાડી જાવેદ મિયાંદાદે કર્યું છે. મિયાંદાદે બીસીસીઆઈ પર નિશાન સાધતા કહ્યું છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી ડરે છે. એટલા માટે તે તેની સામે રમવા માંગતી નથી. પાકિસ્તાન સુપર લીગની એક પ્રદર્શની મેચ બાદ મિયાંદાદે આ નિવેદન આપ્યું હતું.
મિયાંદાદે કહ્યું હતું કે જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન ન આવવા માંગતું હોય તો ન આવે. જો ભારત અહીં રમવા ન આવે તો પાકિસ્તાન મરી જવાનું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ હવે ક્રિકેટ માટે ભારત પર બિલકુલ નિર્ભર ન રહેવું જોઈએ. જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે રમવાથી ડરે છે,તેઓ જાણે છે કે જો તેઓ પાકિસ્તાન સામે હારી જશે તો જનતા તેમને છોડશે નહીં. ત્યાંના વડા પ્રધાન ગાયબ થઈ જશે, તેમના લોકો તેમને છોડશે નહીં. પાકિસ્તાન સામે હારવાથી ભારતમાં તોફાનો ફાટી નીકળે છે. જો ભારતીય ટીમ રમવા ન આવવા માગતી હોય તો ભાડમાં જાય. તમે જાણો છો કે જ્યારે પણ કોઈ મુદ્દો આવે છે ત્યારે મેં હમેંશા પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. હું ભારત છોડતો નથી. મુદ્દો એ છે કે આપણે આપણી જાતને જોવાની જરૂર છે. આપણે આ માટે લડવું પડશે. આપણે કોઈ બાબતની પરવા ન કરવી જોઈએ કારણ કે આપણે યજમાન થવું છે.
એશિયા કપ રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન ન આવે તો સ્પોન્સરે પણ ખસી જવાની વાત કરી
જો એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં નહીં થાય તો તેને મોટું નુકસાન વેઠવું પડશે. કારણ કે આનાથી પાકિસ્તાનમાં ક્રિકેટ માટે નવા યુગની શરૂઆત તો થશે જ, પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે, જે અત્યારે ખૂબ જ ખરાબ હાલતમાં છે. એશિયા કપના સ્પોન્સરનું કહેવું છે કે જો ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તે તેનાથી ખસી શકે છે. કારણ કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો એશિયા કપનો ઉત્સાહ ઓછો થઈ જશે અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઈચ્છશે નહીં કે ટૂર્નામેન્ટની લોકપ્રિયતા પર કોઈ નકારાત્મક અસર પડે.