બેનૌલીમ: પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો – ઝરદારી ગોવા (Goa) આવી પહોંચ્યા હતા. તેઓ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન(એસસીઓ)ની એક બેઠકમાં હાજરી આપવા માટે આવ્યા છે અને છેલ્લા ૧૨ વર્ષમાં ભારતની (India) મુલાકાતે આવનાર પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી બન્યા છે. ત્યારે ઈમરાન ખાનની બિલાવલની ભારત યાત્રાના કારણે મોટો ઝટકો લાગ્યો છે. બિલાવલની ભારત યાત્રાના કારણે તેઓની પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાકિસ્તામાં એક પક્ષ બિલાવતની યાત્રા માટે તેઓને કોસી રહ્યો છે તો અન્ય એક પક્ષ તેઓના સમર્થનમાં છે.
એસસીઓના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે બિલાવલ ભુટ્ટોની આ મુલાકાત ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પારના ત્રાસવાદ સહિત અનેક મુદ્દે ચાલી રહેલા તનાવ વચ્ચે આવી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીનું સ્વાગત ગોવાના એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઇરાન ડિવિઝનનું વડપણ સંભાળતા સંયુક્ત સચિવે જે.પી. સિંઘે કર્યું હતું. આ પહેલા ૨૦૧૧માં ત્યારના પાકિસ્તાની વિદેશ મંત્રી હીના રબ્બાની ખાર ભારત આવ્યા હતા અને તે સમયના ભારતના વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના સાથે મંત્રણા કરી હતી. હું એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠક માટે ગોવા આવી પહોંચીને ઘણો આનંદિત છું. હું આશા રાખું છું કે આ બેઠક સફળ રહેશે એમ બિલાવલે પત્રકારોને કહ્યું હતું.
એસસીઓની બેઠકની સાઇડલાઇન પર યોજાનારા કાર્યક્રમોના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે દ્વિપક્ષી બેઠક યોજવાની હજી સુધી કોઇ યોજના નથી કારણ કે પાકિસ્તાન તરફથી આવી કોઇ વિનંતી મળી નથી. બિલાવલે કરેલી ટ્વીટ પરથી એવુ જાણવા મળે છે કે ગોવામાં બિલાવલ રશિયા અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજશે. તેઓ એસસીઓના વિદેશ મંત્રીઓ માટે આયોજીત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે.