ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન સરહદ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સંરક્ષણ એકમોને સક્રિય કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ 30 લોકો માર્યા ગયા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 24 મિસાઇલો છોડી હતી. પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખતા રહ્યા.
ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યો ન હતો. ફક્ત આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા છે. આ એક સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે પ્રિસિઝન સ્ટ્રાઈક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલા માટે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવવાના હેતુથી લક્ષ્યો પસંદ કર્યા હતા.
ભારતીય વાયુસેનાએ બહાવલપૂર, કોટની અને મુજફ્રબાદના ત્રાસવાદી કેન્દ્રો પર મિસાઈલ ફેંક્યા છે. પાકિસ્તાન સરકારે જણાવ્યું કે ભારતે તેની સીમામાં રહીને જ પ્રહાર કર્યા છે. રઘવાયા બનેલા પાકિસ્તાને એલઓસી પર ગોળીબાર શરૂ કર્યો છે, ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે.
આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં અન્ય આતંકવાદી ઠેકાણાઓ પર કુલ 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાની પુષ્ટિ થઈ છે. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 30 આતંકવાદીઓ માર્યા ગયા છે. અન્ય વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે. ભારતે પાકિસ્તાનમાં ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. હવે ભારતીય સેનાએ પણ પાકિસ્તાન પર થયેલા હુમલાની પુષ્ટિ કરી છે. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ હુમલો છે.
પીઓકે પર પણ સર્જિકલ સ્ટ્રાઈક
ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી છે. ભારતે પીઓકેમાં મુખ્ય આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. અહીં ઓછામાં ઓછા 5 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.