National

ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રના પ્રતિબંધને ફરી લંબાવ્યો

ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રના પ્રતિબંધને ફરી એકવાર લંબાવ્યો છે. આ પ્રતિબંધ હવે તા.24 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. બીજી બાજુ પાકિસ્તાને પણ સમાન પગલું લેતાં ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનો સમયગાળો તા.24 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે. બંને દેશોએ આ માટે NOTAM (Notice to Airmen) જારી કરી છે.

આ નિર્ણય એપ્રિલમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો છે. તા.22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલામાં 26 લોકોનાં મોત થયા બાદ તા.30 એપ્રિલથી ભારતે પાકિસ્તાની એરલાઇન્સ અને ઓપરેટરો દ્વારા સંચાલિત કે ભાડે લીધેલા તમામ વિમાનો જેમાં લશ્કરી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે તે માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. જોકે શરૂઆતમાં આ પ્રતિબંધ તા.24 મે સુધી લાગુ હતો પરંતુ ત્યારથી સતત તેને લંબાવવામાં આવી રહ્યો છે.

તા.22 ઓગસ્ટે જારી કરાયેલ નવા NOTAM મુજબ પાકિસ્તાની નોંધણી ધરાવતા કે પાકિસ્તાનમાંથી સંચાલિત તમામ પેસેન્જર તેમજ લશ્કરી વિમાનોને તા.24 સપ્ટેમ્બર સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની મંજૂરી રહેશે નહીં.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ પગલું આતંકવાદી ગતિવિધિઓ પર નિયંત્રણ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે. ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ અન્ય રાજદ્વારી અને આર્થિક મોરચા પર પણ દબાણ વધારી રહી છે.

પાકિસ્તાને પણ તા.20 ઓગસ્ટે પોતાના નોટામ જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે તે ભારતીય વિમાનોને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે. સામાન્ય રીતે નોટામમાં વિમાન ઉડાડતા કર્મચારીઓ અને એરલાઇન ઓપરેટરોને જરૂરી માહિતી આપવામાં આવે છે. જેથી હવાઈ સુરક્ષા જાળવી શકાય.

આ રીતે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હવાઈ મુસાફરી અને વેપારી ઉડાનો પર અસર થઈ રહી છે.

Most Popular

To Top