Editorial

કોરોનાની જેમ ચીનમાં ફેલાઈ રહેલા HMVP વાયરસ માટે ભારતમાં તકેદારીના પગલા જરૂરી

જે દેશમાંથી કોરોનાનો વાયરસ બહાર આવીને આખી દુનિયાને ધ્રુજાવી ગયો તેવા ચીનમાં હવે નવા HMVP વાયરસે કેર મચાવવાનું શરૂ કર્યું છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ચીનમાં જ 170ના મોત થઈ ગયા છે. હોસ્પિટલોમાં ભીડ જામી ગઈ છે અને ચીનમાંથી ફેલાયેલા આ વાયરસને કારણે 18 દેશમાં 7834 કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાના વાયરસ પાછળનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. ત્યારે ચીનમાં આ હ્યુમન મેટાપ્યુમોવાયરસનો પ્રકોપ ખૂબ જ વધી રહ્યો છે.

આ વાયરસને કારણે થઈ રહેલા મોતને કારણે સ્મશાનભૂમિ પણ ઉભરાઈ ગઈ છે.  આમ તો આ વાયરસની શોધ સને 2001માં ડય સંશોધકો દ્વારા શોધવામાં આવ્યો હતો. આ આરએનએ વાયરસ છે અને તેનાથી શ્વસનતંત્રને અસર થાય છે. ઉઘરસ, છીંક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા આ વાયરસ ફેલાય છે. મોટાભાગે શિયાળા અને વસંત ઋતુમાં આ વાયરસ વધુ ફેલાય છે. સામાન્ય રીતે શરદી, તાવ, ઉઘર અને શ્વાસ લેવામાં તકલીફ જેવી તકલીફો આ વાયરસથી થાય છે. મોટાભાગે બાળકો અને વૃદ્ધો આ વાયરસનો શિકાર થાય છે.

આ વાયરસના વધી રહેલા કેસને કારણે ચીનમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. લોકો ઝડપથી આ વાયરસનો ભોગ બની રહ્યા છે. ચીનના અધિકારીઓની સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા પણ આ વાયરસના ફેલાવા પર નજર રાખવામાં આવી રહી છે. માસ્ક પહેરવાની સાથે સ્વચ્છતા અને જાહેર સ્થળોએ સાવચેત રહેવું જરૂરી હોવાનું આરોગ્ય સંસ્થાઓ જણાવી રહી છે.

ફ્લુ જેવા લક્ષણો આ વાયરસમાં હોવાથી લોકો તેને શરૂઆતમાં ગંભીરતાથી લેતા નથી અને બાદમાં તે જીવલેણ બની રહ્યો છે. આ વાયરસને કારણે અંતે ન્યુમોનિયા અને વ્હાઈટ લંગના કેસ થઈ રહ્યા છે. ચીનના રોગ નિયંત્રણ પ્રાધિકરણ દ્વારા એવું જણાવાયું હતું કે, આ અજાણ્યા જેવા ન્યુમોનિયા સામે તેઓ દ્વારા સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ભૂતકાળમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે આવી સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી નહોતી. જેને કારણે કોરોનાના કેસ અચાનક વધી ગયા હતા.

હવે એવા વાયરસો ફેલાઈ રહ્યા છે કે જેમાં મોટાભાગે ખાંસી, શરદી, ઉઘરસના લક્ષણો દેખાતા હોય છે. જેને કારણે તેને ગંભીરતાથી લેવામાં આવતા નથી અને બાદમાં ન્યુમોનિયા થઈ જાય છે. કોરોના વાયરસને કારણે જે રીતે આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો અને લાશોના ઢગલા થઈ ગયા હતા. કોરોના વાયરસમાં પણ હાલના આ વાયરસ જેવા જ લક્ષણો જોવા મળતા હતા. કોરોનામાં અચાનક ઓક્સિજન ઘટી જવાને કારણે મોત થતા હતા. આ વાયરસ મોટાભાગે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો, વૃદ્ધો અને જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિનો પોતાનો શિકાર બનાવે છે. જેને કારણે આ વાયરસની સામે લડવા માટે લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ પણ વધારવાની જરૂરીયાત છે.

છેલ્લા કેટલાક સમયમાં એક પછી એક નીતનવા વાયરસો આવી રહ્યા હોવાને કારણે હવે લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયાસો કરવા પડે તેમ છે. ચીનમાંથી જ કોરોના ફેલાયો હોવાથી ભારતે પણ આ વાયરસ બાબતે સચેત રહેવાની જરૂરીયાત છે. ચીન પછી ભારતમાં પણ આ વાયરસ મોટાપાયે ફેલાઈ શકે છે. ભારત સરકારે આ બાબતે પહેલેથી જ તકેદારી રાખવાની જરૂરીયાત છે. ભારતમાં હજુ સુધી આ વાયરસના કેટલા કેસ આવ્યા છે તેની સરકારને ખબર જ નથી.

ભારતમાં પણ હાલના શિયાળામાં ખાંસી અને શરદી, ઉઘરસના અનેક કેસો જોવા મળી રહ્યા છે. તેમાં પણ લાંબા સમય સુધી ખાંસી દર્દીને હેરાન કરે તેવી રીતે રહે છે. દવા કરવા છતાં પણ ઝડપથી ખાંસી મટતી નથી. આ થવાનું કારણ હજુ સુધી કોઈની સામે આવ્યું નથી. મોત થતાં નહીં હોવાથી સરકારે પણ આ મામલે વધુ ગંભીરતા બતાવી નથી. જોકે, હવે શરદી અને ખાંસી-ઉઘરસને હળવાશથી લેવાની જરૂર નથી. આ મુદ્દે તબીબોને બતાવી દેવું જરૂરી છે. સરકારી હોસ્પિટલોમાં પણ પહેલેથી જ ટેસ્ટિંગની સાથે અન્ય ડાયગ્નોસિસ કરવાની જરૂરીયાત છે. જો આમ નહીં થાય તો ભારતમાં આ વાયરસને ફેલાતા અટકાવી શકાશે નહીં તો ભારતમાં પણ આ વાયરસ જીવલેણ બની શકે છે. ચીન જૈવિક શસ્ત્રો બનાવી રહ્યું હોવાથી તે માનવજાત સામે મોટો ખતરો છે તે નક્કી છે.

Most Popular

To Top