એડિલેડ : ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન બનવાથી માત્ર બે ડગલા દૂર છે અને તેમાંથી પહેલા પગલામાં તેણે સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ સામે બાથ ભીડવાની છે, જે એક રીતે જોઇએ તો સરળ તો નથી જ પણ જો ઇંગ્લેન્ડની ટીમ સામેના ઇતિહાસને ધ્યાને લઇએ તો એ કામ એટલું મુશ્કેલ પણ નથી. હાલના ટી-20 વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતનું પ્રદર્શન ઇંગ્લેન્ડ કરતાં સારું રહ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ હાલના કેટલાક વર્ષોમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં અલગ એપ્રોચ સાથે રમી રહી છે, જેને ધ્યાને લેતા ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ સામે પ્રારંભિક વિકેટ અપાવવાનો પડકાર રહેશે.
ભારતીય ટીમે એક વાત એ પણ યાદ રાખવી પડશે કે હાલના ટી-20 વર્લ્ડકપમાં પાવરપ્લેમાં સર્વાધિક રન ઇંગ્લેન્ડની ટીમે જ બનાવ્યા છે. ઇંગ્લેન્ડે ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં શ્રીલંકા સામે પાવરપ્લેની 6 ઓવરમાં વિના વિકેટે 70 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતીય ટીમે આઇસીસી ઇવેન્ટમાં કિનારે આવીને ડૂબી જવાના પોતાના ભૂતકાળને ફેરવવો પડશે. ભારતીય ટીમ 2014ના ટી-20 વર્લ્ડકપની ફાઇનલ, 2016ના ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલ, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ અને 2019ના વન ડે વર્લ્ડકપની ફાઇનલમાં હારી ચુક્યું છે.
ટી-20 ઇન્ટરનેશનલની હેડ ટુ હેડ મેચોમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો હાથ ઉપર
ભારતીય ટીમ ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં ઇંગ્લેન્ડ સામે નજીવી પણ સરસાઇ ધરાવે છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાઇ છે, જેમાંથી ભારતીય ટીમે કુલ 12 મેચમાં જીત મેળવી છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 10 મેચો જીતી છે. જો કે આ મેચ સેમીફાઇનલ છે અને તેનું પ્રેશર બંને ટીમ પર રહેશે એ સ્થિતિમાં જે પ્રેશરને સારી રીતે હેન્ડલ કરશે તે બાજી મારશે.
ટી-20 વર્લ્ડકપમા પણ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પર ભારે
ટી-20 વર્લ્ડકપની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ભારે સાબિત થઇ છે. બંને ટીમો ટી-20 વર્લ્ડકપમાં કુલ 3 વાર એકબીજા સામે આવી છે અને તેમાંથી બે મેચ ભારતે જીતી છે જ્યારે ઇંગ્લેન્ડે માત્ર એક મેચ જીતી છે. ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડે ભારત સામે મેળવેલી જીત છેલ્લે 2009ના ટી-20 વર્લ્ડકપમાં મેળવી હતી.
ઇંગ્લેન્ડ સામે વિરાટ કોહલી સૌથી સફળ બેટ્સમેન
ભારતીય ટીમ વતી ઇંગ્લેન્ડ સામે સૌથી સફળ બેટ્સમેન તરીકે વિરાટ કોહલીનું નામ આવે છે. કોહલીએ ઇંગ્લેન્ડ સામે ચાર અર્ધસદી સાથે કુલ 589 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ વતી સૌથી સફળ બેટ્સમેન તરીકે કેપ્ટન જોસ બટલરનું નામ આવે છે, જેણે ભારતીય ટીમ સામે ટી-20માં કુલ 395 રન બનાવ્યા છે.
ઇંગ્લેન્ડ સામે ટી-20માં સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલ
ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમ વતી ઇંગ્લેન્ડ સામે સૌથી સફળ બોલર તરીકે ભારતના લેગ સ્પીનર યુઝવેન્દ્ર ચહલનુ નામ આવે છે. જેણે ઇંગ્લેન્ડ સામે ભારત વતી સર્વાઘિક 16 વિકેટ ઉપાડી છે. ભારત સામે ઇંગ્લેન્ડના સૌથી સફળ બોલર તરીકે ક્રિસ જોર્ડનનું નામ આવે છે. જેણે સર્વાઘિક 18 વિકેટ ઉપાડી છે. આ બંને બોલરો ટી-20 વર્લ્ડકપમાં હજુ સુધી એકપણ મેચ રમ્યા નથી.