હવાઈ તાકાતના ક્ષેત્રે ભારત એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. દુનિયાના પ્રથમ ડ્યુઅલ સ્ટીલ્થ ડ્રોનના નિર્માણ સાથે ભારત પોતાની રક્ષણશક્તિને એક નવા મંચે લઈ જઈ રહ્યું છે. હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની ‘વીરા ડાયનેમિક્સ’ અને ‘બિનફોર્ડ રિસર્ચ લેબ’ દ્વારા રક્ષા મંત્રાલયના સહયોગથી તૈયાર થતું આ ડ્રોન “રામા” નામના સ્પેશિયલ કવચથી સજ્જ હશે, જે દુશ્મનની રડાર તથા ઇન્ફ્રારેડ સિગ્નલ સામે અદૃશ્ય બની શકે છે.
‘રામા’ એટલે Radar Absorption and Multispectral Adaptive ટેક્નોલોજી પર આધારિત નેનોટેક કોટિંગ, જે ડ્રોનને દુશ્મનના હાઇ-ટેક રડાર અને થર્મલ ડિટેક્શન સિસ્ટમથી સુરક્ષિત રાખે છે. CEO સાઈ તેજાએ માહિતી આપી હતી કે આ કવચ 97% સુધી રડાર સિગ્નલ્સથી બચાવી લઈ છે અને થર્મલ સૂચકાંકોમાં પણ પ્રતિ સેકન્ડ 1.5 ડિગ્રી સુધી ઘટાડો કરે છે.
આ સ્ટીલ્થ ડ્રોનનું વજન આશરે 100 કિલોગ્રામ છે અને તે 50 કિલોગ્રામ સુધી પેલોડ લઈ જઈ શકે છે. યુદ્ધના મેદાનમાં જ્યારે 100 ડ્રોન મુકવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે માત્ર 25-30 લક્ષ્ય સુધી પહોંચે છે. પરંતુ ‘રામા’ ટેક્નોલોજીથી સજ્જ આ નવા ડ્રોન 80-85 લક્ષ્યો સુધી અસરકારક હુમલો કરી શકે છે.
ફિલહાલ વિશ્વમાં માત્ર અમેરિકા, ચીન અને રશિયા પાસે જ સ્ટીલ્થ ડ્રોન ટેક્નોલોજી છે. હવે ભારત પણ આ ટેક્નોલોજીમાં જોડાવા જઈ રહ્યું છે. 2025ના અંત સુધીમાં આ ડ્યુઅલ સ્ટીલ્થ ડ્રોન ભારતીય નૌકાદળને સોંપવામાં આવશે.
આ પ્રોજેક્ટ માત્ર ટેક્નોલોજીકલ માહોલમાં ભારતને આત્મનિર્ભર બનાવશે નહીં, પણ વૈશ્વિક રક્ષણ બજારમાં પણ દેશની સ્થિરતા અને પ્રતિષ્ઠાને વધુ બળ આપશે.