સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપ્યો. ભારતે કહ્યું કે પાકિસ્તાન ખોટા આક્ષેપો કરીને મંચનો દુરુપયોગ કરે છે. જ્યારે તે આતંકવાદને આશ્રય આપે છે અને પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કરે છે.
જિનીવામાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 60મા સત્ર દરમિયાન ભારતના કાયમી મિશનના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાન પર સીધો આક્રમક હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ઉશ્કેરણીજનક નિવેદનો આપી આંતરરાષ્ટ્રીય મંચને ભ્રામક બનાવવાનો પ્રયાસ કરે છે. ત્યાગીએ પાકિસ્તાનને કટાક્ષ કરતા કહ્યું કે “જો મને મારા લોકો પર બોમ્બમારો કરવાથી મુક્તિ મળે તો કદાચ થોડો સમય મળશે.”
આ નિવેદનનો સીધો ઈશારો તાજેતરના પાકિસ્તાન વાયુસેનાના હવાઈ હુમલાઓ તરફ હતો. જેમાં પોતાના જ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતે કહ્યું કે આવા કૃત્યો પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ અને માનવાધિકારના ભંગને સ્પષ્ટ દર્શાવે છે.
ભારતે વધુમાં દાવો કર્યો કે પાકિસ્તાનનું અર્થતંત્ર તૂટી પડવાના આરે છે. આવા સંજોગોમાં તેને ભારત વિરુદ્ધ ખોટા પ્રચાર કરતાં પોતાની પ્રજા માટે વિકાસના રસ્તા શોધવા જોઈએ. ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેને ભારતીય ભૂમિ કબજે કરવાની કોશિશ છોડી દેવી જોઈએ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાને બદલે આંતરિક સ્થિરતા પર ધ્યાન આપવું જોઈએ.
ત્યાગીએ પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરી દબદબાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો માનવાધિકાર રેકોર્ડ દુરૂપયોગથી કલંકિત છે. એવા દેશમાં જ્યાં સેનાનું વર્ચસ્વ હોય અને નાગરિકો પર જ બોમ્બમારો કરવામાં આવે ત્યાં માનવાધિકારની વાત કરવી માત્ર નાટક સમાન છે.
ભારતે પરિષદને સંબોધતા વધુમાં ભાર મુક્યો કે યુએન માનવાધિકાર પરિષદે નિષ્પક્ષતા, સંતુલન અને સર્વત્રિક અભિગમ અપનાવવો જોઈએ. દેશોએ વિભાજન ઊભું કરવાની જગ્યાએ એકતા અને રચનાત્મક સહકાર પર ધ્યાન આપવું જોઈએ.
ભારતનો કડક સંદેશ
ભારતનો આ તીખો પ્રહાર એ સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરુદ્ધ ખોટા આક્ષેપો મૂકે છે. પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે આવા દાવાઓને અવગણશે નહીં અને પાકિસ્તાનની હકીકતને વિશ્વ સમક્ષ મૂકી દેશે.
ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી કે જો તે પોતાની પ્રજાની ખરેખર ચિંતા કરે છે તો તેને આતંકવાદ અને હિંસાથી દૂર રહી આર્થિક તેમજ સામાજિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નહિંતર વિશ્વમાં તેની છબી વધુને વધુ ખરાબ થતી જશે.