Editorial

આપણા દેશમાં ચૂંટણી વિકાસને બદલે હિન્દુ-મુસ્લિમ, દલિતના મુદ્દા પર લડાય છે તે કમનસીબી

આમતો ભારત (India) એવો દેશ છે કે જ્યાં વર્ષ દરમિયાન જુદા જુદા રાજ્યોની ચૂંટણી (Election) લડાતી જ રહેતી હોય છે. રાજ્ય ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતો જુદા જુદા સ્થળોએ સતત યોજાતી રહી છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા હોવાથી તે ચર્ચામાં આવતા નથી. પરંતુ જ્યારે બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની ચૂંટણી હોય છે ત્યારે શામ, દામ, દંડ અને ભેદની નિતી અપનાવતા રાજકીય પક્ષો અચકાતા નથી. આવી જ સ્થિતિ જનરલ ઇલેકશન દરમિયાન પણ હોય છે. અને આ પ્રથા આજકાલની નથી વર્ષોથી ચાલી આવે છે. એટલું જ નહીં આ બાબત કોઇ એક રાજકીય પક્ષને લાગુ પડતી નથી. તમામ રાજકીય પક્ષ વચ્ચે આ બાબતે રીતસરની સ્પર્ધા થાય છે. રાષ્ટ્રીયકક્ષાની પાર્ટી તો ઠીક પણ રાજ્યકક્ષાની પાર્ટીઓ પણ આવા નિવેદનો કરતાં અચકાતી નથી. અમેરિકા (America) અને યુરોપ જેવા દેશોમાં ચૂંટણીઓ વિકાસા મુદ્દા પર લડવામાં આવે છે. વિઝનના મુદ્દે લડવામાં આવે છે.

બૌદ્ધિક લોકો વચ્ચે ડિબેટ થાય છે. જ્યારે આપણા દેશમાં સામાન્ય ચૂંટણી હોય કે પછી મોટા રાજ્યની ત્યારે અચાનક જ હિન્દુ, મુસ્લિમ, દલિત, જીન્ના અને ગાંધી જેવા શબ્દો નેતાઓના મોંઢામાંથી વારંવાર નીકળવા લાગે છે. આ ખરેખર આપણા દેશની કમનસીબી છે કે જે દેશમાં આરોગ્ય, શિક્ષણની સ્થિતિ ખૂબ જ નબળી હોય તે દેશમાં આવા મુદ્દાને બાજુએ મૂકીને અન્ય મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવે છે. રવિવારે કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે જયપુરમાં મોંઘવારી હટાવો રેલીનુ આયોજન કર્યુ હતું. અને તેમાં તેમના સુપ્રિમો સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સામલે થયા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં બે શબ્દોની ટક્કર ચાલી રહી છે. એક શબ્દ હિન્દુ છે અને બીજો શબ્દ હિન્દુત્વ છે. તેમણે આ રેલીમાં કહ્યું હતું કે, હું હિન્દુ છું પણ હિન્દુવાદી નથી. મહાત્મા ગાંધી હિન્દુ હતા અને ગોડસે હિન્દુત્વવાદી હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશમાં કઈ કઇ વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેમણે કોંગ્રેસીઓને સંબોધતા કહ્યું હતું કે, હિન્દુ અને હિન્દુત્વવાદી વચ્ચેનો ફરક તેઓ સમજાવવા માંગે છે.

હિન્દુ ગમે તે થાય પણ તે સત્યને શોધતો હોય છે. તેનો રસ્તો સત્યાગ્રહ છે. તે પોતાનુ જીવન સત્ય શોધવામાં કાઢી નાંખે છે.મહાત્મા ગાંધીએ લખેલી આત્મકથાનુ નામ હતું સત્યના પ્રયોગો, તેમણે પોતાની આખી જિંદગી સત્યને સમજવામાં કાઢી નાંખી હતી અને અંતમાં હિન્દુવાદીએ તેમની છાતીમાં ગોળી મારી દીધી હતી. તેમણે કહ્યુ હતું કે, હિન્દુત્વવાદી પોતાની જિંદગી સત્તા શોધવામાં કાઢી નાંખે છે. તેને સત્ય સાથે લેવા દેવા નથી. તેને માત્ર સત્તા જોઈએ છે. આ માટે તે કંઇ પણ કરી શકે છે, કોઈને મારી શકે છે, સળગાવી શકે છે અને તેને સત્યાગ્રહમાં નહીં પણ સત્તાગ્રહમાં રસ છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, હિન્દુ પોતાના ડરનો સામનો કરે છે અને શિવજી જેવી રીતે ઝેર પી ગયા હતા તે રીતે પોતાના ડરને પી લે છે જ્યારે હિન્દુત્વવાદી પોતાના ડર સામે ઝૂકી જાય છે, તેના દિલમાં નફરત પેદા થાય છે, તેને ગુસ્સો આવે છે.હિન્દુ ડરનો સામનો કરીને પોતાના દિલમાં શાંતિ, પ્રેમ અને શક્તિ પેદા કરે છે. આ રાહુલ ગાંધી વિરોધ પક્ષમાં છે એટલે ખરેખર તો તેમણે સરકારની નબળાઇઓ ગણાવવી જોઇએ. સરકારની ખામીઓ ઉજાગર કરવી જોઇએ પરંતુ તેવું કરવાના બદલે તેઓ ગાંધીજી અને ગોડ્સે તેમજ હિન્દુ અને હિન્દુવાદની વાત કરવા લાગ્યા છે. અત્યાર સુધી તેઓ માત્ર રાફેલ, અનિલ અંબાણી અને કેટલાંક ઉદ્યોગપતિઓની વાત કરતાં હતા પરંતુ હવે ઉત્તર પ્રદેશ સહિતના મોટા રાજ્યોની ચૂંટણી નજીક હોવાથી તેમનો ટોન બદલાઇ ગયો છે અને હિન્દુ-હિન્દુવાદ જેવા મુદ્દાઓ પર વાત કરી રહ્યાં છે. હાલમાં સમગ્ર દેશની નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર છે.

આ ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વની છે કારણ કે આ રાજ્ય જ દેશની સંસદ અને રાજ્યસભાનું ભાવિ નક્કી કરે છે. થોડા સમય પહેલાં જ અહીં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સરદાર પટેલની સરખામણી જિન્ના સાથે કરી નાંખી હતી એટલું જ નહીં તુલનાવાળા નિવેદન પર હજી પણ તેઓ અડગ છે. આજે શનિવારે નિવેદન પર સવાલ ઉઠાવનાર પર અખિલેશે કહ્યું કે આવા લોકો ઈતિહાસના પુસ્તક બીજીવાર વાંચે. થોડા દિવસ પહેલા અખિલેશ યાદવે કહ્યુ હતું કે સરદાર પટેલ જમીનને ઓળખતા હતા અને જમીનને જોઈને નિર્ણય લેતા હતા. તે જમીનને ઓળખી લેતા હતા ત્યારે નિર્ણય લેતા હતા, તેથી તેઓ આયરન મેનના નામથી જાણીતા હતા. સરદાર પટેલ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને જિન્ના એક સંસ્થામાં અભ્યાસ કરીને બેરિસ્ટર બન્યા હતા. એક જગ્યાએ અભ્યાસ કર્યો હતો. તેઓ બેરિસ્ટર બન્યા અને આઝાદી અપાવી જો તેમણે કોઈ પ્રકારનો સંઘર્ષ કરવો પડ્યો તો તે પાછળ હટ્યા નહીં. તેમના આ નિવેદન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર પલટવાર કર્યો હતો.

મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, સરદાર પટેલ દેશને જોડનારા હતા અને જિન્ના દેશને તોડનારમાં છે, બંને એક નહીં હોઈ શકે. સરદાર પટેલ એક રાષ્ટ્રના નાયક છે પરંતુ જિન્ના ભારતની એકતાને ખંડિત કરનાર છે. જે લોકો બંનેની તુલના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેણે સતર્ક રહેવું પડશે. જ્યારે આજે રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉત્તર પ્રદેશમાં હતા તેમણે પણ જીન્નાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, અમે ગન્ના એટલે કે શેરડીની વાત કરીએ છીએ અને કેટલાંક લોકો જીન્નાની વાત કરી રહ્યાં છે.

Most Popular

To Top