Comments

માર્ગ અકસ્માતો યોજવામાં ભારતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે

જેઓ યાંત્રિક વાહનો ધરાવે છે તેઓને ટ્રાફિક પોલીસ વિશે અભિપ્રાય આપવાનું કહેવામાં આવે તો અનેક લોકો પ્રથમ તો વિભાગને ગાળ આપશે. એમ પણ કહેશે કે માત્ર વિભાગ જ નહીં, પ્રજા પણ જવાબદાર છે. દેશનાં લોકોને કાનૂનો પાળવા નથી. સ્વયંશિસ્તમાં રહેવું નથી અને આખરે જયપુર-અજમેર રોડ પર શુક્રવારે જે હૃદયવિદારક અકસ્માત બન્યો તે થઇને ઊભો રહે છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને પક્ષ-વિપક્ષના નેતાઓ દુ:ખ વ્યકત કરે છે, તપાસ યોજવાનું આશ્વાસન આપે છે, દરમિયાન કોઇ બીજી જગ્યાએ બીજો ગમખ્વાર અકસ્માત સર્જવાની લોકોએ તૈયારીઓ કરી લીધી હોય છે. ભારતમાં માર્ગ અકસ્માતમાં એક વરસમાં એક લાખ એંસી હજાર લોકો મરણ પામે છે. આ ચાલુ 2024ના વરસનો આંકડો તો ગયા વરસ કરતાં પણ વધુ મોટો હશે. આને કહેવાય વિકાસ!

સરકાર એ કહેવાય જે વોટબેન્કની ચિંતા કર્યા વગર પ્રજાના ભલા માટે આકરાં પગલાં ઉઠાવે. લગભગ બધી જ રાજય સરકારો એક મુરખે ખાધાં હતાં તેમ સો કાંદા પણ ખાય છે, અને સો જૂતાં પણ ખાય છે. સરકાર અમુક લોકોને ખુશ રાખવા જાહેર માર્ગો, હાઇ વે પર ગાયોને બેસવા અને રખડવા દે છે અને ગાયો અકસ્માતો કરાવે છે અને કયારેક પોતે શિકાર બને છે. સરકારનું પોતાનું ટ્રાફિક તંત્ર પણ એટલું ભ્રષ્ટ છે કે ‘અમારે ઉપર પહોંચાડવા પડે છે’ તેમ કહીને દોષી કે નિર્દોષ બંનેને ખાનગીમાં દંડ કરે છે. સરકારોની, ટોચ સુધીનાં લોકોની પણ આ કુકર્મોમાં સામેલગીરી હોવી જોઇએ. અન્યથા શું સરકારોને જાણ નહીં થતી હોય કે ટ્રાફિક વિભાગ જે ‘ઉપર’ સુધી રકમ પહોંચાડવાની વાત કરે છે તે ‘ઉપર’વાળા આપણે જ છીએ. તો આપણું નામ શા માટે બગડવું જોઇએ? પણ સામેલગીરી હોય તો બગડે કે સુધરે, તેઓને શો ફરક પડે છે? ભલે બદનામ થઇએ, પણ તેના દામ તો મળે છે.

નીતિન ગડકરી વાહનવ્યવહાર માટે કડક કાનૂનો લઇ આવ્યા હતા. પરંતુ એ અલગ છાવણીના હતા તે કારણથી કે પછી અન્ય કોઇ કારણોસર ભાજપાના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ જાહેર કર્યું કે ગુજરાતમાં એ કડક કાનૂન લાગુ પાડવામાં નહીં આવે. તો પછી સંસદમાં પસાર કરવાની જરૂર શી હતી? ભારતની પ્રજા પણ રોજ રોજ પુરવાર કરે છે કે સમજાવાથી એ નહીં સમજે. આજે દુનિયામાં ભારતની ટ્રાફિક વ્યવસ્થાની ટીકા થાય છે. કયારેક વ્યંગ સાથે આલોચના થાય છે. પશ્ચિમના દેશોનાં લોકો આપણી વાહનો ચલાવવાની શૈલી જોઇને જ ડઘાઇ જાય છે. તેઓ સ્વદેશ પાછાં જાય ત્યારે પોતાનાં ઓળખીતાંઓને ભારતની મુલાકાતે નહીં જવાની સલાહ આપે છે. લેખક કે પત્રકાર હોય તે ત્યાંના મિડિયામાં આપણા દેશની ‘અદ્‌ભુત’ વ્યવસ્થાની ધોલાઇ કરે છે. ભારતને અમુક શરમજનક બાબતોમાં અગ્રેસર બનાવવા માટે લોકો અને સરકાર સદાય તત્પર રહે છે.

જેમ કે દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, દુનિયાના સૌથી ઊંચા અને મોટા પ્લાસ્ટિકના કચરાના પર્વતો, સૌથી વધુ માર્ગ અકસ્માતોનો દેશ. જે શરમ હોવી જોઇએ તે રહી નથી. દેશના નવયુવાનો માર્યા જાય છે તેની ચિંતા નથી. એ તો ભગવાને ધાર્યું હોય તેમ થાય એવું બહાનું આગળ ધરીને લોકો આત્મસાંત્વન મેળવે છે. પણ મહેનત અને પ્રયત્નો કરવાનો એક સૂક્ષ્મ વિકલ્પ સર્જનહારે માનવીને આપ્યો છે. જે અપનાવે છે તેને તે ફળે છે. જો ભગવાને ધાર્યું હોય તેમ જ થવાનું છે તો માણસોએ બિમારીમાં દવા લેવાનું છોડી દેવું જોઇએ. અમેરિકામાં ભારત કરતાં દસથી બાર ગણાં વાહનો છે પણ આટઆટલા અકસ્માતો થતાં નથી. કારણ કે ત્યાં લોકો અને સરકાર કાળજી લે છે. મહેનત કરે છે અને સર્જનહાર તદનુરૂપ તેઓને ફળ આપે છે.

ટિનએજરો, યુવાનો તેમજ શરાબીઓ વધુ અકસ્માતો કરે છે. બાળપણના શાળાના શિક્ષણમાં અકસ્માતોની ગંભીરતા વિષે તેમ જ ડ્રાઇવિંગની તાલીમ વખતે પણ આ શિક્ષણ આપવાની વ્યવસ્થા થવી જોઇએ. ભારતના ડ્રાઇવરોનો એક મોટો વર્ગ ખાસ ભણેલો હોતો નથી. ભણેલા હોય તે છકી જાય છે. તાજેતરમાં કેરળના અલાપૂજા ખાતેની સરકારી મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓની કાર એક એસ.ટી. બસ સાથે અથડાઇ અને છ પ્રતિભાવંત નવલોહિયા મરણ પામ્યાં. સરકાર ‘કડક કાનૂન’ બનાવવા માગતી હોય તેને તમે બીજી ચૂંટણીમાં ‘કડક કાનૂન’ને પરિણામે મત આપવા માગતા ન હો તો માર્ગો પર વરસે જે બે લાખ જેટલાં મરણ પામે છે તે હત્યાઓ માટે પ્રજા પણ એટલી જ જવાબદાર છે. રસ્તા પર કોણે કઇ લેનમાં, કેટલી ઝડપે ગાડી ચલાવવી તે બાબતમાં કાનૂન તો છે, પણ પોલીસ તેનો અમલ કરાવતી નથી.

ઘણા ટ્રક-ડ્રાઇવરો રસ્તો રોકીને એટલી ધીમી ઝડપે ચલાવે કે ન આગળ વધે ન બીજાને વધવા દે. ઘણી વખત અમુક લોકો ફસ્ટ્રેટ થઇને ઓવરટેક કરે. અકસ્માતો થાય, ઘણી વખત ઝગડાઓ થાય. સરકારની માર્ગ સુધારણાની નવી યોજનાઓ ચાલુ થયા પછી વરસો સુધી પૂરી થતી નથી. જે દસ વરસ પછી સો ગ્રામ જેટલો ફાયદો હોય તે માટે દસ વરસ સુધી બસ્સો ગ્રામ તકલીફો લોકો ઉઠાવતા રહે છે. મુંબઇમાં શહેરમાં સતત બાંધકામો વરસોથી ચાલતાં રહે છે અને રહેશે. સુવિધાઓનો આનંદ તો લોકોને ભાગ્યે જ મળે છે. ઘણી વાર એવું લાગે કે સરકારી લોકો સેડિસ્ટિક પ્લેઝર માણી રહ્યાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top