Editorial

ભારતે મોટી પ્રગતિ કરી, છેલ્લા પાંચ વર્ષમાં કરોડપતિઓ વધી ગયા, 31 હજારથી વધુ લોકો વર્ષે 10 કરોડ કમાઈ રહ્યા છે

એક સમયે જેનો અંગ્રેજો દ્વારા ગરીબોનો દેશ કહેવામાં આવ્યો હતો તેવા ભારત દેશમાં ધીરેધીરે કરોડપતિઓની સંખ્યા વધી રહી છે. ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે અને તેનું પ્રમાણ તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ભારતમાં અમીરોની સંખ્યા અને અમીરોની આવક, બંનેમાં ભારે વધારો થઈ રહ્યો છે. સેન્ટ્રમ ઈન્સ્ટિટ્યુશનલ રિસર્ચ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવું દર્શાવાયું છે કે ભારતમાં 31 હજારથી વધુ લોકો દર વર્ષે 10 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. જ્યારે વાર્ષિક 5 કરોડ રૂપિયા કમાતા લોકોની સંખ્યા 58 હજારને પાર થઈ ગઈ છે. જેમની ઉંચી નેટવર્થ છે તેઓ ભારતમાં જબરદસ્ત કમાણી કરી રહ્યા છે.

આ રિપોર્ટમાં 2019થી 2024 સુધીનો છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ 5 વર્ષમાં ભારતમાં 10 કરોડથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. જે એક મોટું સીમાચિહ્ન છે. આ સમયગાળા દરમિયાન રૂપિયા 10 કરોડથી વધુની કમાણી કરનારાઓની કુલ નેટવર્થ 121 ટકા વધીને રૂપિયા 38 લાખ કરોડ થઈ ગઈ છે. જે ભારતીયોની આવક વાર્ષિક 5 કરોડથી વધુ છે તેમની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 49 ટકાનો વધારો થયો છે અને તેમનો આંકડો 58200 પર પહોંચી ગયો છે. વર્ષ 2019-24ની વચ્ચે તેમની સંયુક્ત નેટવર્થમાં 106 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. જે 40 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

જ્યારે ભારતમાં કોરોનાની મહામારી હતી ત્યારે પણ ભારતીયોની કમાણી વધી છે. જેનો આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવો અંદાજ પણ મુકવામાં આવ્યો છે કે ભારતમાં જે લોકોની નેટવર્થ હાઈ છે તેઓની કમાણી 2028 સુધીમાં વાર્ષિક 14 ટકાના દરે વધશે અને તે 2.2 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. દેશમાં 15 ટકા લોકો એવા છે કે જેઓની સંપત્તિનું સંચાલન પ્રોફેશનલ દ્વારા કરવામાં આવે છે. જોકે, વિશ્વમાં આનો આંકડો 75 ટકા છે. લોકો નોકરીને બદલે બિઝનેસ તરફ વળી રહ્યા છે અને તેને કારણે તેમની આવક વધી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રોકાણથી માંડીને કમાણી કરવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકો હવે યોગ્ય પ્લાનિંગ સાથે રોકાણ કરી રહ્યા છે અને મોટી આવક મેળવી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં લોકો રોકાણ કરીને મોટી રકમ પરત મેળવી રહ્યા છે. જ્યારે ભારતમાં વધેલી મોંઘવારીએ લોકોના રોકાણમાં પણ મોટો વધારો કર્યો છે. સોના-ચાંદીના ભાવોમાં થયેલા વધારાએ પણ લોકોનો ફાયદો કરાવી આપ્યો છે. શેરબજારમાં વધેલા સેન્સેક્સને કારણે પણ લોકોની નેટવર્થમાં મોટો વધારો થયો છે.

છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં થયેલા વધારાએ પણ લોકોને બખ્ખાં કરાવી દીધા છે. સરકાર દ્વારા સ્ટાર્ટઅપ માટે પણ અપાઈ રહેલા પ્રોત્સાહનને કારણે લોકો ધંધા તરફ વળી રહ્યા છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં નાના ધંધાઓ અનેક વધ્યા છે. જેને કારણે પણ લોકોની નેટવર્થ વધી રહી છે. બેંકો દ્વારા પણ નાના ધંધાર્થીઓને મોટાપાયે લોન આપવામાં આવી રહી છે. જેને પગલે લોકો ધંધા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે. જેને સામાન્ય કહી શકાય તેવા ધંધામાં પણ લોકો કરોડપતિ થઈ રહ્યા છે. ભારતીયોનો વિદેશ સાથેનો પણ બિઝનેસ વધી રહ્યો છે. ભારતમાં કોર્પોરેટ કંપનીઓ પણ વધી રહી છે.

નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. જે બાદમાં નવા ધંધામાં પરિવર્તિત થઈ રહ્યા છે. જેને કારણે આવકમાં પણ વધારો જોવાઈ રહ્યો છે. ફુગાવો પણ વધી રહ્યો છે. જેને કારણે એક સમયે કરોડની જે વેલ્યુ હતી તે પણ ઘટી છે. જે રીતે આ રિપોર્ટના આંકડા છે તે જોતાં આગામી દિવસોમાં ભારતને કરોડપતિઓનો દેશ કહેવામાં આવે તો નવાઈ નહીં હોય. ભારતમાં ભૂતકાળની જેમ ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી’ જેવા દિવસો આવશે તે નક્કી છે.

Most Popular

To Top