નવી દિલ્હી : ભારત સરકારનું (India Government) વલણ સિંધુ જળ સંધિમાં (Sindus Water Treaty) સુધારા અંગે સખ્ત થયું છે. હાલમાં જ ભારતે પાકિસ્તાનને (Pakistan) નોટિસ પાઠવી દીધી છે. આ સંધિને એકરીતે વિશ્વની સૌથી ઉદાર સંધિ કહેવામાં આવી રહી છે. ભારત સરકારે કહ્યું છે કે પાકિસ્તાનના પગલાંથી સિંધુ સંધિની જોગવાઈઓ પર પ્રતિકૂળ અસર પડી છે. જેના કારણે ભારતે નોટિસ ફટકારવાની ફરજ પડી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં (Jammu And Kashmir) ભારતના બે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ – કિશનગંગા (330 મેગાવોટ) અને રાતલે (850 મેગાવોટ) અંગે બંને દેશો વચ્ચે મતભેદને પગલે આ નોટિસ (Notice) આવી છે.
જાણી લઈએ શું છે આ સિંધુ જળ સંધિ
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે શું છે આ સિંધુ સંધિ ? સંધિમાં ભારત-પાકિસ્તાનની ભૂમિકા શું છે? પાકિસ્તાન માટે આ સંધિ કેમ મહત્વની છે? વિવાદ શું છે? વિવાદ હવે ચર્ચામાં કેમ આવ્યો? ભારત જળ સંધિથી શું અલગ હોઈ શકે? તો પહેલા આવો આ મુદ્દાઓ ઉપર સ્પષ્ટતા મેળવી લઈએ..
સિંધુ જળ સંધિ 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં થઈ હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તથાયેલી સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક દ્વિપક્ષીય કરાર છે. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં થઈ હતી. આ સંધિ પર તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. વિશ્વ બેંકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંધિ માટે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું.
સંધિમાં ભારત-પાકિસ્તાનની ભૂમિકા શું છે?
કુલ છ નદીઓના પાણીને આ સંધિ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવે છે. આ નદીઓમાં બિયાસ, રાવી, સતલજ, જેલમ, ચિનાબ અને સિંધુ નદીઓનો સમાવેશ થાય છે. આ સમજૂતી મુજબ ભારતને પૂર્વીય પ્રદેશોમાં બિયાસ, રાવી અને સતલજ નદીઓ પર નિયંત્રણ કરવાનો અધિકાર મળ્યો. ભારત આ નદીઓમાંથી વીજ ઉત્પાદન, સિંચાઈ અને જળ સંસાધનોને લગતી ઘણી યોજનાઓ ચલાવી રહ્યું છે. બીજી તરફ પશ્ચિમી પ્રદેશોમાં સિંધુ, ચેનાબ અને જેલમ નદીઓ પર નિયંત્રણ પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં આ નદીઓના પાણીથી વીજળી ઉત્પાદન અને સિંચાઈના કામો થાય છે.
આ સંધિના કારણે ભારત પાકિસ્તાનને કુલ પાણીના 80.52% એટલે કે વાર્ષિક 167.2 બિલિયન ક્યુબિક મીટર પાણી આપે છે. આ જ કારણ છે કે તેને વિશ્વની સૌથી ઉદાર સંધિ કહેવામાં આવે છે.
જાણીયે પાકિસ્તાન માટે આ સંધિ કેમ મહત્વની છે?
આ સંધિના ભંગને કારણે પાકિસ્તાનના મોટા વિસ્તાર પર રણ બનવાનો ખતરો વ્યાપી જશે. આ સિવાય જો આ સંધિ તોડવામાં આવે છે તો પાકિસ્તાન પર ભારે રાજદ્વારી દબાણ આવી શકે છે. આ સાથે પાકિસ્તાનમાં ચાલી રહેલા અબજો રૂપિયાના પાવર પ્રોજેક્ટ પણ બંધ થવાના આરે આવી જશે અને કરોડો લોકોને પીવાનું પાણી મળી શકશે નહીં.
કચકચિયા પાકિસ્તાને શરૂ કર્યો હતો વિવાદ
સિંધુ જળ સંધિમાં વિવાદ ભારતના બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો છે. હકીકતમાં સિંધુની ઉપનદીઓ પર બાંધવામાં આવનાર 330 મેગાવોટ કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું નિર્માણ 2007માં શરૂ થયું હતું. દરમિયાન, 2013 માં, ચિનાબ પર બાંધવામાં આવનાર રેટલે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને આ બંને પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું છે. કિશનગંગા પ્રોજેક્ટ અંગે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના કારણે પાકિસ્તાન તરફ જતું પાણી અટકી જાય છે.