ભારત માટે એક ખુશીની ખબર ઓડિશા રાજ્યમાંથી સામે આવી છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI)એ રાજ્યના 6 જિલ્લાઓમાં જમીન નીચે દટાયેલો લગભગ 10 થી 20 ટન સોનાનો ભંડાર શોધી કાઢ્યો છે. આ શોધ બાદ સરકાર હવે આ ખાણોને ખાનગી કંપનીઓને હરાજી કરવાની તૈયારી કરી રહી છે.
કયા જિલ્લાઓમાં સોનાની શોધ થશે?
GSIના અહેવાલ મુજબ દેવગઢ, સુંદરગઢ, નવરંગપુર, કેન્દુઝાર, અંગુલ અને કોરાપુટ જિલ્લામાં સોનાનો મોટો જથ્થો મળી આવ્યો છે. ખાસ કરીને દેવગઢ જિલ્લાના અડાસ-રામપલ્લી વિસ્તારમાં ખાણકામ માટે સૌથી વધુ સંભાવનાઓ છે. ઉપરાંત અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારોમાં સોનાનો જથ્થો એટલો ઘણો છે કે મોટા પાયે ખાણકામ શક્ય છે.
હરાજી માટે તૈયારી શરૂ:
ઓડિશાના ખાણ મંત્રી બિભૂતિ ભૂષણ જેના અનુસાર રાજ્ય સરકારે આ ખાણોની હરાજી માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયામાં ઓડિશા માઇનિંગ કોર્પોરેશન (OMC) અને GSI સાથે મળીને કામ કરી રહ્યા છે. માત્ર 6 જ નહીં, પરંતુ મયુરભંજ, મલકાનગિરી, સંબલપુર અને બૌધ જિલ્લાઓમાં પણ સોનાની શોધખોળ હાલ ચાલુ છે. જો અહીં પણ ભંડાર મળે, તો ઓડિશા સોનાના ઉત્પાદન માટે દેશનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.
રોજગાર અને આવકમાં વધારો શક્ય:
નિષ્ણાતોનું માનવું છે કે જો આ ખાણકામ સફળ થશે તો રાજ્ય સરકારની આવકમાં નોંધપાત્ર વધારો થશે. સ્થાનિક લોકોને રોજગારીની નવી તક મળશે. ખાણકામ સંબંધિત નાના-મોટા ઉદ્યોગો પણ વિકસશે. તેમજ ઓડિશા સોનાના ઉત્પાદન માટે રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ બનાવી શકશે.
પર્યાવરણ અને સ્થાનિક હિતો પર ભાર:
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખાણકામ પર્યાવરણીય ધોરણોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. ખાણકામથી અસરગ્રસ્ત થનારા ગામો અને સ્થાનિક લોકોના પુનર્વસન અને વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવશે.
ભારતને મોટી રાહત મળશે:
ભારત હાલમાં દર વર્ષે 700 થી 800 ટન સોનાની આયાત કરે છે. જ્યારે સ્થાનિક ઉત્પાદન ફક્ત 1.6 ટન છે. આ આયાત માટે દેશને વિદેશી ચલણમાં મોટી રકમ ચૂકવવી પડે છે. પરંતુ ઓડિશામાં મળેલા નવા ભંડારોથી જો ઉત્પાદન શરૂ થશે, તો આયાત પરની નિર્ભરતા ઘટશે. આથી વિદેશી ચલણની મોટી બચત થશે અને દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
આ રીતે ઓડિશામાં મળેલું સોનાનું ભંડાર માત્ર રાજ્ય માટે જ નહીં, પરંતુ આખા દેશ માટે એક મોટો ખજાનો સાબિત થઈ શકે છે.